હા, પર્શિયન ગલ્ફમાં હાજર તમામ ભારતીય ખલાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. છેલ્લા 24 કલાકમાં તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.
હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા 22 ભારતીય જહાજો, કેટલો માલ અટવાયો છે? શિપિંગ મંત્રાલયે આપ્યું અપડેટ
ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય ખલાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. દેશમાં ગેસની અછત ન સર્જાય તે માટે કાળાબજારિયાઓ પર દરોડા અને બુકિંગના નવા કડક નિયમો લાગુ કરાયા છે.

- હર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય જહાજો અને ખલાસીઓ સુરક્ષિત.
- બે મોટા LPG જહાજો ગુજરાતના બંદરો પર પહોંચશે.
- LPG સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા દેશભરમાં દરોડા.
- ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા, ગેસ બુકિંગના નિયમો કડક.
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 15 મો દિવસ (14 માર્ચ) છે. આ યુદ્ધની અસર હવે આખી દુનિયા પર દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વના એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' (સામુદ્રધુની) માં ભારતના 22 જહાજો અને 611 ખલાસીઓ ફસાયેલા હોવાથી થોડી ચિંતા ઉભી થઈ હતી. જોકે, શિપિંગ મંત્રાલયે મોટા રાહતના સમાચાર આપતા કહ્યું છે કે આપણા તમામ ખલાસીઓ એકદમ સુરક્ષિત છે. સારી વાત એ છે કે, ભારત આવી રહેલા 2 મોટા LPG જહાજો સહીસલામત આ ખતરનાક માર્ગ પસાર કરી ચૂક્યા છે. બીજી બાજુ, યુદ્ધના ડર વચ્ચે દેશમાં રાંધણ ગેસ (LPG) ની સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે સરકાર સપાટો બોલાવી રહી છે અને ગ્રાહકો માટે ગેસ બુકિંગના નવા નિયમો પણ કડક બનાવ્યા છે.
ભારતીય ખલાસીઓ અને જહાજો સુરક્ષિત
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મુખ્ય સચિવ રાજેશ કુમાર સિંહાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, પર્શિયન ગલ્ફ (અખાત) વિસ્તારમાં હાજર તમામ ભારતીય ખલાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. તેમણે ઉમેર્યું કે શરૂઆતમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે કુલ 24 ભારતીય જહાજો હાજર હતા.
2 મોટા LPG જહાજો ગુજરાત પહોંચવાની તૈયારીમાં
સિંહાએ વધુમાં એક સારા સમાચાર આપતા કહ્યું કે, "આ 24 જહાજોમાંથી 'શિવાલિક' અને 'નંદા' નામના બે મોટા LPG કેરિયર જહાજો શુક્રવારે રાત્રે કે શનિવારે સવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી હેમખેમ પસાર થઈ ગયા છે અને હવે ભારત તરફ આગળ વધી રહ્યા છે."
આ બંને જહાજો લગભગ 92,700 મેટ્રિક ટન જેટલો LPG નો તોતિંગ જથ્થો લઈને આવી રહ્યા છે અને તેઓ 16 અને 17 માર્ચે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરે પહોંચી જશે. આ બે જહાજો નીકળી ગયા બાદ, હવે પર્શિયન ગલ્ફમાં 22 ભારતીય જહાજો બાકી રહ્યા છે, જેમાં 611 ખલાસીઓ છે.
ગેસના કાળાબજારિયાઓ પર તવાઈ: દેશવ્યાપી દરોડા
યુદ્ધના નામે દેશમાં ગેસની સંગ્રહખોરી અને કાળાબજાર કરતા લોકો પર સરકાર તૂટી પડી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે કાળાબજાર રોકવા દેશના અનેક રાજ્યોમાં અચાનક ચેકિંગ કરવા માટે ખાસ સંયુક્ત ટીમો બનાવવામાં આવી છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા અને કર્ણાટકમાં મોટા પાયે દરોડા પડ્યા છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં 1400 જેટલી જગ્યાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. ત્યાં 20 FIR નોંધાઈ છે, અનેક લોકોની અટકાયત કરાઈ છે અને 19 લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા અને ગેસ બુકિંગના નવા નિયમો
સરકારનો મુખ્ય ટાર્ગેટ એ છે કે ઘરવપરાશના ગેસના ગ્રાહકોને કોઈ જ તકલીફ ન પડે. આ માટે ઘરેલું LPG સિલિન્ડરના સપ્લાયને પ્રાથમિકતા અપાઈ રહી છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે સ્થાનિક LPG ઉત્પાદનમાં પણ 10 ટકાથી વધારો કરતા કરતા હવે 31 ટકા સુધીનો વધારો કરી દીધો છે. આ ઉપરાંત, દિલ્હી-NCR માં 'હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન' (CAQM) દ્વારા ઉદ્યોગો અને હોટલોને 1 મહિના માટે કુદરતી ગેસના બદલે બાયોમાસ (વૈકલ્પિક બળતણ) વાપરવાની મંજૂરી અપાઈ છે જેથી ગેસ બચાવી શકાય.
Frequently Asked Questions
શું હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે?
ભારત ક્યારે LPG જહાજોની રાહ જોઈ રહ્યું છે?
બે મોટા LPG જહાજો, 'શિવાલિક' અને 'નંદા', 16 અને 17 માર્ચે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરે પહોંચશે. આ જહાજો લગભગ 92,700 મેટ્રિક ટન LPG લઈને આવી રહ્યા છે.
LPG ની સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે?
સરકારે કાળાબજાર રોકવા માટે દેશના અનેક રાજ્યોમાં ખાસ સંયુક્ત ટીમો બનાવી છે અને મોટા પાયે દરોડા પાડ્યા છે. ઉત્તર પ્રદેશમાં 1400 જગ્યાઓ પર ચેકિંગ કરાયું, 20 FIR નોંધાઈ છે અને અનેક લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે.
ઘરેલું ગ્રાહકો માટે ગેસ બુકિંગના નવા નિયમો શું છે?
સરકાર ઘરેલું LPG સિલિન્ડરના સપ્લાયને પ્રાથમિકતા આપી રહી છે જેથી ઘરેલું ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે. સ્થાનિક LPG ઉત્પાદનમાં પણ 10 ટકાથી વધારો કરીને 31 ટકા સુધી પહોંચાડ્યો છે.






















