Indian woman shoplifting US: અમેરિકાના એક ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરવા બદલ એક ભારતીય મહિલાને પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી હોય તેવો એક બોડીકેમ વીડિયો ઓનલાઈન વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા ભાવુક થઈને રડી રહી હતી અને પોતાને ગુજરાતી હોવાનું જણાવ્યું હતું. TOI ના અહેવાલ મુજબ, આ ઘટના આ વર્ષે 15 જાન્યુઆરીના રોજ બની હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મહિલાએ પોતે ભૂતકાળમાં પણ ચોરી કરી હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું છે, જોકે વીડિયોની સત્યતા અને મહિલાની ઓળખ હજુ સુધી ચકાસવામાં આવી નથી.

અમેરિકામાં એક ભારતીય મહિલા, કથિત રીતે ગુજરાતી, ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરતી પકડાઈ તે ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોલીસના બોડીકેમ ફૂટેજ છે જેમાં એક મહિલા રડતી અને હાંફતી જોવા મળે છે. વીડિયો એક યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

પૂછપરછ દરમિયાન મહિલાની કબૂલાત

વીડિયોમાં, મહિલા ખૂબ જ ગૂંગળાતી અને હાંફતી જોવા મળે છે. અધિકારીઓ કહે છે કે તેણી છેલ્લા 40 મિનિટથી આ હાલતમાં છે અને કોઈ વિગતો આપી રહી નથી. જ્યારે પોલીસે તેને તેની પ્રાથમિક ભાષા પૂછી, ત્યારે તેણે ધીમા અવાજે "ગુજરાતી" કહ્યું. પોલીસે તેણીને તેણીનું રહેઠાણ પૂછ્યું, જેના જવાબમાં તેણીએ "ભારત" કહ્યું, જે કદાચ તેણીની ગભરામણના કારણે થયું હશે. તેણીએ એમ પણ જણાવ્યું કે તેણીને કોઈ દુભાષિયાની જરૂર નથી.

પૂછપરછ દરમિયાન, મહિલાએ કબૂલ્યું કે તેણી પાસે વોશિંગ્ટનનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તેણીએ કબૂલ્યું કે તેણી તે જ સ્ટોરમાંથી ભૂતકાળમાં પણ ચોરી કરતી હતી, જોકે આ પહેલી વાર તેણીને પકડવામાં આવી હતી. તેણીએ સ્વીકાર્યું કે તે ચોરી કરેલી કેટલીક વસ્તુઓ ફરીથી વેચવા જઈ રહી હતી.

પૂછપરછ ચાલુ રહેતાં, પોલીસ અધિકારીઓએ તેને અંતિમ ચેતવણી આપી. તેમણે કહ્યું કે "અમે તમને આજે જવા દઈ રહ્યા છીએ," પરંતુ જો તે ફરીથી તે ટાર્ગેટ સ્ટોર પર પાછી ફરશે તો તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકવામાં આવશે. TOI ના અહેવાલ મુજબ, તેણીને એ પણ કહેવામાં આવ્યું કે તેણીને આ કેસના સંદર્ભમાં કોર્ટમાં હાજર રહેવું પડી શકે છે.