Oman Coast: હોર્મુઝ સ્ટ્રેટમાં એક કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ઓમાન દરિયાકાંઠા પાસે થયેલા આ હુમલામાં GFS Galaxy નામના જહાજ પર 11 ભારતીય નાગરિકો સવાર હતા. ભારત સરકારે જણાવ્યું કે આમાંથી 10 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય હજુ પણ ગુમ છે. વિદેશ મંત્રાલયે (MEA) ઘટનાની નિંદા કરતા કહ્યું કે ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને રાહત તેમજ બચાવ અભિયાનમાં સંકલન સાધી રહ્યું છે.

Continues below advertisement

 

MEA એ હુમલાની આકરી નિંદા કરી

Continues below advertisement

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભારત ઓમાન દરિયાકાંઠા પાસે કોમર્શિયલ જહાજ GFS Galaxy પર થયેલા હુમલાની આકરી નિંદા કરે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જહાજ પર હાજર 11 ભારતીયોમાંથી 10 ને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગુમ હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો...IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન

MEA એ કહ્યું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઓમાની અધિકારીઓ સાથે મળીને શોધ તેમજ બચાવ અભિયાનમાં સક્રિય રીતે સહયોગ કરી રહ્યું છે. ભારતે આ સહાય બદલ ઓમાન સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો.

ભારતે તણાવ ઓછો કરવા અપીલ કરી

ભારતે આ ક્ષેત્રમાં સતત કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર વ્યાપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ દરિયાઈ વેપાર અને નૌકાપરિવહનને કોઈ પણ અવરોધ વિના વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે.

ઈરાને જહાજ પર ફાયરિંગ કર્યા બાદ બંધ કર્યો હોર્મુઝ સ્ટ્રેટ

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈરાને દાવો કર્યો કે તેની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સાયપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ પર કાર્યવાહી કરી, કારણ કે તે કથિત રીતે અધિકૃત દરિયાઈ માર્ગના બદલે બીજા રસ્તેથી પસાર થઈ રહ્યું હતું. IRGC નું કહેવું છે કે ઘણા જહાજોને નિર્ધારિત શિપિંગ કોરિડોર પરથી પસાર થવાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેમણે સૂચનાઓનું પાલન ન કર્યું. ઈરાને ફાયરિંગને "ચેતવણી સ્વરૂપે કરાયેલી કાર્યવાહી" ગણાવી અને આ પછી હોર્મુઝ સ્ટ્રેટને આગામી સૂચના સુધી બંધ કરવાની જાહેરાત કરી દીધી.

અમેરિકાએ નાગરિક જહાજ પર હુમલો ગણાવ્યો

બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) આ ઘટનાને એક નાગરિક કોમર્શિયલ જહાજ પર સીધો હુમલો ગણાવ્યો છે. CENTCOM ના જણાવ્યા અનુસાર, હુમલામાં જહાજના એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેમાં આગ લાગી ગઈ અને ક્રૂ મેમ્બર્સને જહાજ છોડીને લાઈફબોટ દ્વારા બહાર નીકળવું પડ્યું. અમેરિકાનું કહેવું છે કે આ હુમલામાં એક નાગરિક ક્રૂ મેમ્બર ગુમ છે.