Strait of Hormuz Crisis: ઈરાને હાલમાં જ દાવો કર્યો હતો કે 'હોર્મુઝ સ્ટ્રેટ' કોમર્શિયલ જહાજો માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવી છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. બ્લૂમબર્ગના નવા રિપોર્ટ મુજબ, શનિવારે પર્સિયન ગલ્ફમાંથી પસાર થવા ગયેલા ભારતના 4 તેલ ટેન્કરો અને ગ્રીસના 2 ટેન્કરોને અધવચ્ચેથી જ યુ ટર્ન લેવાની ફરજ પડી હતી. એક તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી યુદ્ધવિરામ દરમિયાન રસ્તો ખુલ્લો હોવાની જાહેરાત કરી રહ્યા છે, તો બીજી તરફ આ જહાજોને પસાર થવા દેવામાં આવ્યા નથી. આ ઘટના દર્શાવે છે કે ઈરાનની અંદર જ રાજકીય નેતૃત્વ અને તેની શક્તિશાળી સેના 'IRGC' વચ્ચે તાલમેલનો અભાવ છે અને પરિસ્થિતિ હજુ સામાન્ય થઈ નથી.
ભારત અને ગ્રીસના 6 જહાજો ફસાયા
મળતી માહિતી મુજબ, ભારતના 4 ટેન્કરો 'સનમાર હેરાલ્ડ', 'દેશ ગરિમા', 'દેશ વૈભવ' અને 'દેશ વિભોર' દુબઈથી હોર્મુઝ તરફ જઈ રહ્યા હતા. આ સાથે જ ગ્રીસના બે ટેન્કર 'નિસોસ કેરોસ' અને 'મિનર્વા એવ્રોપી' પણ આ જ રૂટ પર હતા. પરંતુ આ તમામ જહાજો આ મહત્વનો દરિયાઈ માર્ગ પાર કરી શક્યા નહીં અને તેમને પાછા ફરવું પડ્યું. હાલમાં આ જહાજો ઈરાનના કેશમ ટાપુ નજીક જોવા મળ્યા છે.
જહાજોમાં 8.3 મિલિયન બેરલ તેલ હતું
આ 6 ટેન્કરોમાં મળીને આશરે 8.3 મિલિયન બેરલ નોન ઈરાની ક્રૂડ ઓઈલ ભરેલું હતું. જો આ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ગયા હોત, તો 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા સંઘર્ષ બાદ એક જ દિવસમાં ખાડીમાંથી આટલા મોટા પ્રમાણમાં તેલનો પ્રવાહ પસાર થવાનો આ એક રેકોર્ડ બન્યો હોત. પરંતુ શુક્રવારે મોડી રાત્રે રેડિયો પર મળેલી ચેતવણી બાદ શિપ માલિકોએ રૂટ બદલી નાખ્યો હતો. ચેતવણીમાં કહેવાયું હતું કે સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઈરાની નૌકાદળની મંજૂરી ફરજિયાત છે.
ઈરાનની બેવડી નીતિ: IRGC નો કડક પહેરો
શરૂઆતમાં ઈરાને રસ્તો ખુલ્લો રાખવાની વાત કરી, પરંતુ થોડા જ કલાકોમાં શરત મૂકી દીધી કે જો અમેરિકા તેના નૌકાદળના પ્રતિબંધો નહીં હટાવે તો હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થઈ શકે છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર નાકાબંધી હાલ પૂરતી ચાલુ જ રહેશે. ઈરાનના લશ્કરી અધિકારીઓએ પણ સાફ કહી દીધું છે કે કોઈપણ કોમર્શિયલ જહાજને IRGC (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ની પરવાનગી વિના અને નક્કી કરેલા રૂટ સિવાય પસાર થવા દેવાશે નહીં. આનાથી સ્પષ્ટ થાય છે કે ટોચના નેતાઓના મોત બાદ ઈરાનમાં IRGC નું વર્ચસ્વ ઘણું વધી ગયું છે.
ભારતીય જહાજો અને તેલ બજાર પર અસર
જોકે, આ પહેલા સંઘર્ષના સમયમાં પણ ક્રૂડ ઓઇલ અને LPG વહન કરતા 8 ભારતીય ટેન્કરો આ રૂટ પરથી સફળતાપૂર્વક પસાર થઈને ભારતના બંદરો પર પહોંચી ગયા છે. ઈરાને ભારત, રશિયા, ચીન જેવા પોતાના 'મિત્ર દેશો' ને પસાર થવાની મંજૂરી આપી હતી.
દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાતને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. હવે આવતા અઠવાડિયે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ યોજાવાનો છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે ત્યાં સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અને હોર્મુઝ સ્ટ્રેટમાં સામાન્ય ટ્રાફિક શરૂ થવામાં હજુ લાંબો સમય લાગી શકે છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, "અમે હોર્મુઝના રક્ષક છીએ અને અમારા અધિકારોના રક્ષણ માટે અમે પીછેહઠ નહીં કરીએ."
