Iran Israel war: ઈરાને ઈઝરાયલ પર લગભગ 200થી વધુ મિસાઈલો છોડી છે. સમગ્ર ઈઝરાયલમાં અરાજકતાનું વાતાવરણ છે અને નાગરિકોના જીવ જોખમમાં છે. આ ગંભીર સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઈઝરાયલમાં રહેતા ભારતીયોને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈઝરાયલના તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ગંભીર સ્થિતિને જોતા ભારતે ઈઝરાયલમાં પોતાના 32,000 નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હોય તો તાત્કાલિક મદદ મળી શકે.
ઈરાનના હુમલા વચ્ચે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરેલી એડવાઈઝરીમાં ભારતીય લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, 'વિસ્તારની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. દરેક વ્યક્તિએ સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.
ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે
એડવાઈઝરીમાં આગળ લખ્યું છે કે, 'કૃપા કરીને સાવધાન રહો, બિનજરૂરી મુસાફરી ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થાનોની નજીક રહો. એમ્બેસી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને અમારા તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયલી સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે.
એમ્બેસીએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
આ તમામ જરૂરી માહિતીની સાથે ભારતીય દૂતાવાસે ઈઝરાયલમાં રહેતા ભારતીય લોકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. એમ્બેસીએ લોકોને ઈમરજન્સીના કિસ્સામાં સંપર્ક કરવા માટે બે નંબર જાહેર કર્યા છે, જે હંમેશા ઉપલબ્ધ રહેશે. આ બે નંબરો છે +972-547520711 અને +972-543278392.
અમેરિકાની ચેતવણી
અમેરિકન અધિકારીઓએ ઈઝરાયલને પહેલાથી જ એલર્ટ કરી દીધું હતું કે ઈરાન હુમલો કરી શકે છે. આમ છતાં ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે તમામ નાગરિકોને બોમ્બ શેલ્ટર પર મોકલવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને તરત જ અમેરિકી સૈન્યને ઇઝરાયલના મિસાઇલ સંરક્ષણમાં મદદ કરવા અને ઇરાની હુમલાઓથી ઇઝરાયલને બચાવવા સૂચના આપી છે.