iran us mou geneva 2026: હોર્મુઝ અને પરમાણુ કાર્યક્રમની જેમ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે થવા જઈ રહેલા કરારમાં 'લેબનોન' એક મોટો અવરોધ બનીને સામે આવ્યું છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ઇઝરાયલી સેના લેબનોનના કબજા હેઠળના વિસ્તારોમાંથી પાછી નહીં હટે, ત્યાં સુધી આ યુદ્ધનો અંત નહીં આવે. બીજી તરફ, ઇઝરાયલે આ સમજૂતી કરાર (MoU) થી પોતાને અલગ કરી લીધું છે અને દક્ષિણ લેબનોન છોડવાનો સાફ ઇનકાર કરી દીધો છે. આવો જાણીએ આ સમગ્ર વિવાદ અને આગામી સમયમાં 2 તબક્કામાં થનારી ડીલ વિશે વિગતવાર.
ઇઝરાયલ સોદામાંથી કેમ ખસી ગયું?
એક તરફ ઈરાન લેબનોન મુદ્દે કરારમાં ગૂંચવણ ઊભી કરી રહ્યું છે, તો બીજી તરફ ઇઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચેના આ MoU થી છેડો ફાડી લીધો છે. ઇઝરાયલે સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈપણ ભોગે દક્ષિણ લેબનોન પરનો પોતાનો કબજો નહીં છોડે. ઇઝરાયલની રણનીતિ છે કે દક્ષિણ લેબનોનના આ કબજે કરેલા વિસ્તારને એક 'બફર ઝોન' (સુરક્ષા કવચ) તરીકે વિકસાવવામાં આવે, જેથી ઉત્તરી ઇઝરાયલને ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવી શકાય. જોકે, ઇઝરાયલે પહેલેથી જ કહી દીધું છે કે હિઝબુલ્લાહ પર થતા હુમલાઓને લેબનોન પરના હુમલા ન ગણવા જોઈએ. પરંતુ જો ઇઝરાયલ હુમલા ચાલુ રાખશે, તો ઈરાન ઉશ્કેરાઈ શકે છે અને આખો કરાર પડી ભાંગી શકે છે.
ઈરાનનું કડક વલણ અને યુદ્ધવિરામની આશા
મંગળવારે તેહરાનમાં રાજદ્વારીઓ અને રાજદૂતો સાથેની બેઠકમાં ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચીએ કડક વલણ અપનાવતા કહ્યું કે, લેબનોન પરનો કોઈપણ ઇઝરાયલી હુમલો અથવા ત્યાં કબજો ચાલુ રાખવો એ સીધું જ MoU નું ઉલ્લંઘન ગણાશે. તેમણે જણાવ્યું કે અમારા મતે અમેરિકા અને ઇઝરાયલ એક જ સિક્કાની બે બાજુ છે, અને એ જ રીતે ઈરાન અને હિઝબુલ્લાહ પણ એક જ છે.
અરાઘચીને આશા છે કે 19 જૂને જીનીવામાં કરાર પર સહી થયા બાદ લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ કાયમ માટે બંધ થઈ જશે. જોકે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ અને હિઝબુલ્લાહને જડમૂળથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ જોતાં એવું લાગે છે કે લેબનોનમાંથી ઓપરેટ થતા હિઝબુલ્લાહ પર ઇઝરાયલી સેનાના હુમલા એટલી જલ્દી બંધ નહીં થાય.
આ પણ વાંચોઃ શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
2 તબક્કામાં પાર પડશે અમેરિકા-ઈરાન ડીલ
અરાઘચીએ રાજદ્વારીઓને સમજાવ્યું કે અમેરિકા સાથેનો આ સોદો બે અલગ-અલગ તબક્કામાં પૂરો થશે:
પહેલો તબક્કો: આમાં 14 જૂને MoU ની જાહેરાત સામેલ છે. આ સમયગાળામાં બંને દેશો વચ્ચે યુદ્ધ અટકી જશે અને ઈરાન સામેની નૌકાદળની નાકાબંધી ખતમ થશે. અરાઘચીએ હોર્મુઝ સ્ટ્રેટ વિશે કોઈ સ્પષ્ટ વાત નહોતી કરી, પરંતુ તેમના જણાવ્યા મુજબ, પહેલા હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારબાદ 19 જૂને જીનીવામાં સત્તાવાર રીતે MoU પર હસ્તાક્ષર કરવામાં આવશે.
બીજો તબક્કો: આ બીજો તબક્કો 60 દિવસ સુધી ચાલશે. આ સમય દરમિયાન ઈરાનના વિવાદિત પરમાણુ કાર્યક્રમ અને ઈરાન પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
