Explosion in Iran : ઈરાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સ્થિત બંદર અબ્બાસ શહેરમાં શનિવાર (26 એપ્રિલ, 2025) ના રોજ શાહિદ રાજઈ બંદર પર એક જોરદાર વિસ્ફોટ થયો હતો. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
બંદર પર વિસ્ફોટ થયા બાદ દરેક જગ્યાએથી લોકો ચીસો પાડવા લાગ્યા હતા. જોરદાર વિસ્ફોટ પછી, આગને કાબૂમાં લેવા માટે બંદર પરની તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. ઈરાનની સેમી ઓફિશિયલ તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ બંદર પર મોટી સંખ્યામાં લોકો કામ કરે છે, તેથી આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઘાયલ અને માર્યા જવાની આશંકા છે.
કન્ટેનરમાં વિસ્ફોટ
મેહરદાદ હસનઝાદેહે જણાવ્યું હતું કે શહેરના રાજઈ બંદર પર કન્ટેનરમાં વિસ્ફોટ થયો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. રાજઈ પોર્ટ મુખ્યત્વે કન્ટેનર ટ્રાફિકનું સંચાલન કરે છે અને તેમાં તેલની ટાંકીઓ અને અન્ય પેટ્રોકેમિકલ સુવિધાઓ પણ છે. રાજઈ બંદર ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 1,050 કિલોમીટર દૂર હોર્મુઝની સ્ટ્રેટ પર સ્થિત છે. હોર્મુઝ એ પર્સિયન ગલ્ફનો એક સાંકડો માર્ગ છે જેના દ્વારા તેલનો 20 ટકા વેપાર થાય છે.
ઈરાનની અર્થવ્યવસ્થામાં આ બંદરની મોટી ભૂમિકા છે
તમને જણાવી દઈએ કે ઈરાનનું સૌથી વ્યસ્ત અને સૌથી મોટું બંદર અબ્બાસ પર્સિયન ગલ્ફના ઉત્તરી કિનારે આવેલું છે. આ બંદર ઈરાનનું મુખ્ય વેપારી કેન્દ્ર છે અને તેલની નિકાસ માટે પણ ખૂબ મહત્વનું છે. અહીંથી વિશ્વભરમાં વિવિધ વસ્તુઓની નિકાસ અને આયાત કરવામાં આવે છે. તે માત્ર ઈરાનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ નથી, પરંતુ પ્રાદેશિક અને વૈશ્વિક રાજકારણમાં પણ તેની મોટી ભૂમિકા છે.
આ પણ જાણો
આ દરમિયાન તમને અહીં એ પણ જણાવી દઈએ કે ઈરાનના બંદર શહેર બંદર અબ્બાસમાં વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે ઈરાન ઓમાનમાં અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટોના ત્રીજા રાઉન્ડનું આયોજન કરી રહ્યું છે. આ વાટાઘાટોનું નેતૃત્વ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે.