MSC Aries Ship Seized: મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને ભારત પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. આ દરમિયાન ઈરાન દ્વારા ઈઝરાયેલનું એક જહાજ કબજે કરવામાં આવ્યું હતું જેના કારણે ભારત માટે મુશ્કેલી ઉભી થઈ છે. આ જહાજમાં સવાર 25 સભ્યોમાંથી 17 ભારતીય નાગરિક છે. ભારત આ મામલે ઈરાન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. નવી દિલ્હીએ ભારતીય નાગરિકોને મુક્ત કરવા માટે તેના રાજદ્વારી માધ્યમો દ્વારા ઈરાન પર સંપૂર્ણ દબાણ કર્યું છે.


 






સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર, સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ખાડીમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા કબજે કરવામાં આવેલા જહાજમાં 17 ભારતીયો સવાર છે. સુરક્ષા અને સુખાકારી તેમજ તેના નાગરિકોની વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત પહેલેથી જ ઈરાની અધિકારીઓના સંપર્કમાં છે. એક સૂત્રનું કહેવું છે કે, તે અમારી જાણકારીમાં છે કે ઈરાને એક કાર્ગો જહાજ 'MSC Aries' પર નિયંત્રણ મેળવી લીધું છે. સૂત્રોનું કહેવું છે કે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ઈરાની સત્તાવાળાઓ તેહરાન અને દિલ્હી વચ્ચે રાજદ્વારી માધ્યમો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે.


વિદેશ મંત્રાલયે એક દિવસ પહેલા ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી
  
આ દરમિયાન ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શુક્રવારે (12 એપ્રિલ) ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્રાવેલ એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી. જેમાં ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલ દેશોની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી હતી.


આ એડવાઈઝરીમાં મંત્રાલયે તે તમામ ભારતીયોને પણ વિનંતી કરી છે જેઓ હાલમાં ઈરાન અને ઈઝરાયેલમાં રહે છે. આ દેશોમાં રહેતા તમામ નાગરિકોને તાત્કાલિક ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.


શિપ ઓપરેટર MSC એ જહાજ કબ્જે થયાની પુષ્ટિ કરી છે


ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ઈરાન સાથે તણાવ વધી ગયો છે ત્યારે આવી ઘટના સામે આવી છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે આ જહાજ 'યહૂદી શાસન' સાથે જોડાયેલું છે. જહાજના ઓપરેટર, ઇટાલિયન-સ્વિસ જૂથ એમએસસીએ પુષ્ટિ કરી છે કે ઈરાની સત્તાવાળાઓ જહાજમાં સવાર થયા છે.