US સાથે તણાવ વચ્ચે ઈરાને તૈનાત કરી ખોર્રમશહર-4 બેલેસ્ટિક મિસાઈલ, ટ્રંપને સીધો મેસેજ!
ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ પ્રેસ ટીવીએ જાણકારી શેર કરી છે કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ શુક્રવારે તેના એક લશ્કરી અડ્ડા પર બેલિસ્ટિક મિસાઈલ ખોર્રમશહર-4 તૈનાત કરી.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. આ દરમિયાન, ઈરાને એક એવું પગલું ભર્યું છે જે ઓમાનની મધ્યસ્થતામાં થનારી વાટાઘાટો પહેલાં જ અમેરિકાને મોટો નિર્ણય લેવા માટે ઉશ્કેરી શકે છે.
ખરેખર, ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ પ્રેસ ટીવીએ જાણકારી શેર કરી છે કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ શુક્રવારે (6 ફેબ્રુઆરી, 2026) તેના એક લશ્કરી અડ્ડા પર બેલિસ્ટિક મિસાઈલ ખોર્રમશહર-4 તૈનાત કરી છે.
US ને સંદેશ આપવા માટે કર્યું મિસાઈલનું પ્રદર્શન: જાવાની
ઈરાની લશ્કરી થાણા પર ખોર્રમશહર-4 બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાના સંદર્ભમાં IRGCના રાજકીય બાબતોના ડેપ્યુટી કમાન્ડર બ્રિગેડિયર જનરલ યદોલ્લાહ જાવાનીએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો હેતુ અમેરિકાને સંદેશ મોકલવાનો હતો કે ઈરાન તેની સંરક્ષણ ક્ષમતાઓથી પાછળ હટવાનો કોઈ ઇરાદો ધરાવતું નથી.
તેમણે કહ્યું કે ઈરાન ક્યારેય તેના વલણથી પાછળ હટશે નહીં અને તે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ જો દુશ્મન કોઈ ખોટું પગલું ભરશે, તો તે કડક જવાબ આપશે.
200 કિમી રેન્જ સુધી તબાહી મચાવી શકે છે ખોર્રમશહર-4 મિસાઈલ
ખોર્રમશહર-4 બેલિસ્ટિક મિસાઈલ 2000 કિલોમીટરની રેન્જમાં વિનાશક પ્રહારો કરવાની ક્ષમતા ધરાવે છે. તે 1,500 કિલોગ્રામ વજનના વોરહેડ વહન કરવામાં પણ સક્ષમ છે, જેના કારણે તે અત્યંત ખતરનાક માનવામાં આવે છે.
અહેવાલો અનુસાર, આ ખતરનાક બેલિસ્ટિક મિસાઈલ IRGC એરોસ્પેસ ફોર્સ દ્વારા સંચાલિત એક નવી લશ્કરી સાઇટના ઉદ્ઘાટન દરમિયાન પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મિસાઈલની તૈનાતી ઈરાનની રક્ષા નીતિમાં ઔપચારિક રુપથી સામેલ કરવાનો સંકેત માનવામાં આવે છે.
સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઈરાની રાજદ્વારીઓ કરશે બેઠક: જાવાની
IRGC ફોર પોલિટિકલ અફેર્સનાં ડેપ્યુટી કમાન્ડર, બ્રિગેડિયર જનરલ યદોલ્લાહ જાવાનીએ જણાવ્યું હતું કે ઈરાની રાજદ્વારીઓ ઓમાનની આગેવાની હેઠળની વાટાઘાટોમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે અમેરિકા સાથે ભાગ લેશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશો વચ્ચે ગમે તે ઘડીએ યુદ્ધ શરૂ થવાની આશંકા છે. આ કારણે મિડલ ઈસ્ટના દેશો ચિંતામાં મુકાઈ ગયા છે. બંને દેશો શાંત પડે અને યુદ્ધ જેવી સ્થિતિ ઉભી ન કરે તે માટે હવે ઓમાને મહત્ત્વની પહેલ શરૂ કરી દીધી છે. આ માટે ઓમાને મધ્યસ્થતા કરી રાજધાની મસ્કતમાં અમેરિકા-ઈરાન વચ્ચે બેઠક યોજી છે.























