Israel Attack Gaza:દક્ષિણ ગાઝામાં નાસિર હોસ્પિટલ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. હોસ્પિટલ પહેલાથી જ દવાઓ અને સ્ટાફની અછતનો સામનો કરી રહી છે. દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ સંકેત આપ્યો હતો કે, જો લેબનોન 2025 સુધીમાં હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરે તો ઇઝરાયલ લેબનોનમાંથી તેના સૈનિકો પાછા ખેંચી શકે છે.
ગાઝા પટ્ટી અને લેબનોન સાથે જોડાયેલી ઘટનાઓએ પશ્ચિમ એશિયામાં તણાવમાં વધુ વધારો કર્યો છે. ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં સૌથી મોટી નાસિર હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે., જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે.. બીજી તરફ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંકેત આપ્યો છે કે, જો હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવામાં આવે તો ઇઝરાયલ લેબનોનમાંથી તેની સેના પાછી ખેંચી શકે છે.
સોમવારે ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં આવેલી નાસેર હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, હોસ્પિટલના ચોથા માળે બે મિસાઇલ છોડવામાં આવી હતી. પહેલો હુમલો સીધો ફ્લોર પર પડ્યો હતો અને બીજો હુમલો બચાવ કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યાના થોડા સમય પછી કરવામાં આવ્યો હતો. તેને 'ડબલ-ટેપ સ્ટ્રાઈક' કહેવામાં આવે છે. આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણા પત્રકારોનો પણ સમાવેશ થાય છે.
નાસેર હોસ્પિટલ લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે
નાસેર હોસ્પિટલ દક્ષિણ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે. 22 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેના પર ઘણા હુમલા અને દરોડા પડ્યા છે. હોસ્પિટલ વહીવટીતંત્રનું કહેવું છે કે દવાઓ અને સ્ટાફની તીવ્ર અછત હોવા છતાં તે હજુ પણ દર્દીઓની સેવા કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે મૂળભૂત મેડિકલ ટ્રીટમેન્ટમાં પણ મુશ્કેલ બની રહી છે.
લેબનોન અંગે ઇઝરાયલનું વલણ
આ દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ એક મોટું નિવેદન આપ્યું. તેમણે લેબનીઝ કેબિનેટના તાજેતરના નિર્ણયનું સ્વાગત કર્યું, જેમાં 2025 ના અંત સુધીમાં હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાનો પ્રસ્તાવ છે. નેતન્યાહૂએ કહ્યું કે, જો લેબનોન આ દિશામાં નક્કર પગલાં લે છે, તો ઇઝરાયલ તબક્કાવાર રીતે દક્ષિણ લેબનોનમાંથી તેની સેના પાછી ખેંચી શકે છે.
હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે ગતિરોધ
ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકાની મધ્યસ્થીથી ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ બંધ થયું હતું. જોકે, હિઝબુલ્લાહે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી ઇઝરાયલ લેબનોનની પાંચ ટેકરીઓ પરથી પીછેહઠ ન કરે અને લગભગ દૈનિક હવાઈ હુમલા બંધ ન કરે ત્યાં સુધી તે નિઃશસ્ત્રીકરણ વિશે વાત કરશે નહીં. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે, જેમાં મોટાભાગના હિઝબુલ્લાહ સભ્યો છે.
અમેરિકન દબાણ અને આગળનો રસ્તો
અમેરિકા હિઝબુલ્લાહને નબળું પાડવા માટે સતત બૈરુત પર દબાણ કરી રહ્યું છે. 14 મહિનાથી ચાલતા યુદ્ધમાં આ સંગઠન પહેલાથી જ ઘણું નુકસાન સહન કરી ચૂક્યું છે અને તેના ઘણા ટોચના નેતાઓ માર્યા ગયા છે. હવે જોવાનું એ રહે છે કે લેબનીઝ સરકાર હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવામાં કેટલી સફળ થાય છે અને શું ઇઝરાયલ ખરેખર તેના સૈનિકો પાછા ખેંચે છે. હાલમાં, ગાઝા અને લેબનોન બંને મોરચે તણાવ પ્રવર્તે છે.