Israel-Hamas Ceasefire: હમાસે ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી દ્ધારા રજૂ કરાયેલ યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ યુદ્ધવિરામ પ્રસ્તાવ મુજબ ગાઝામાં ઈઝરાયલ સાથે સાત મહિનાથી ચાલેલા યુદ્ધનો અંત આવશે. સોમવારે હમાસે આ પ્રસ્તાવને લઈને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેના પોલિટિકલ બ્યુરો ચીફ ઈસ્માઈલ હનિયેહે કતારના વડાપ્રધાન અને ઈજિપ્તના ઈન્ટેલિજન્સ વિભાગના મંત્રીને કહ્યું છે કે હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.






અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, હમાસના પોલિટિકલ બ્યુરો ચીફ ઈસ્માઈલ હનિયેહે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થની અને ઈજિપ્તના ઈન્ટેલિજન્સ વિભાગના મંત્રી અબ્બાસ કામેલને ફોન કર્યો અને યુદ્ધવિરામ પ્રસ્તાવને મંજૂર કરવાની વાત કરી હતી. જો કે આ પ્રસ્તાવ પર હજુ સુધી ઈઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.






ઇઝરાયલની ચેતવણી વચ્ચે હમાસે યુદ્ધવિરામને મંજૂરી આપી


હમાસે આ પ્રસ્તાવને એવા સમયે મંજૂરી આપી હતી જ્યારે ઈઝરાયલે લશ્કરી કાર્યવાહીના ખતરાથી બચવા ગાઝાના રફાહ શહેરને ખાલી કરવા હજારો લોકોને ચેતવણી આપી હતી. ઈઝરાયલની આ ચેતવણી વચ્ચે લોકોએ ગાઝાના દક્ષિણી શહેર રફાહ છોડવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. હમાસના આ નિર્ણય બાદ લોકો રફાહમાં જશ્ન મનાવી રહ્યા છે.






ઇઝરાયલ અને હમાસ લાંબા સમયથી કતાર અને ઇજિપ્ત દ્વારા ગાઝામાં યુદ્ધવિરામ માટે પરોક્ષ રીતે વાટાઘાટો કરી રહ્યા છે, જેથી યુદ્ધવિરામ લાદી શકાય અને એકબીજાના કેદીઓની આપ-લે કરી શકાય. મીડિયા અહેવાલો અનુસાર, ઇજિપ્ત અને હમાસના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે યુદ્ધવિરામ તબક્કાવાર થશે જે અંતર્ગત હમાસ અને ઇઝરાયલ ધીમે ધીમે કેદીઓને મુક્ત કરશે અને ગાઝા વિસ્તારોમાંથી પીછેહઠ કરશે. જો કે, વર્તમાન યુદ્ધવિરામ હેઠળ શું કરવામાં આવશે તે અંગેની વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.