Israel Hamas War:  હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન બાદ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યા છે. અહીં ઋષિ સુનકે કહ્યું કે તેઓ ઈઝરાયલ સાથે ઉભા છે. અગાઉ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે ઇઝરાયલને પોતાનું સમર્થન આપવા ઇઝરાયલની મુલાકાત લીધી હતી.










બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલને સમર્થન આપવા પહોંચ્યા છે. અહીં તેમણે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. બ્રિટિશ પીએમઓના નિવેદન અનુસાર, સુનક ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની નિંદા કરશે. આ સિવાય તેઓ છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરશે.


ઋષિ સુનકે ગાઝા હોસ્પિટલ પરના હુમલાને પ્રદેશ અને વિશ્વભરના નેતાઓ માટે સંઘર્ષને વધુ ખતરનાક રીતે વધતો અટકાવવા માટે એકસાથે આવવાની એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી હતી. ઇઝરાયલની તેમની મુલાકાત વખતે સુનક ગાઝામાં માનવતાવાદી કોરિડોર શક્ય તેટલી વહેલી તકે ખોલવા માટે આગ્રહ કરશે. આ નિવેદન અનુસાર, જ્યારે ઋષિ સુનક ઈઝરાયલમાં હશેતે જ સમયે વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી ઈજિપ્ત, તુર્કી અને કતારનો પ્રવાસ કરશે. આ સિવાય સંરક્ષણ પ્રધાન ગ્રાન્ટ શેપ્સ બુધવારે વોશિંગ્ટનમાં તેમના અમેરિકન સમકક્ષ લોયડ ઓસ્ટિન સાથે મુલાકાત કરશે.


7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ગાઝા પટ્ટીમાં યુદ્ધ ચાલુ છે. જ્યાં હમાસ ઇઝરાયલ પર સતત રોકેટ છોડે છે. ઈઝરાયલ જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 4900 લોકોના મોત થયા છે. હમાસના હુમલામાં ઈઝરાયલમાં 1400 લોકો માર્યા ગયા છે. જ્યારે ઈઝરાયલના હુમલામાં 3500થી વધુ પેલેસ્ટાઈનના લોકોના મોત થયા છે. જ્યારે 13 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.


અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ સહિત તમામ પશ્ચિમી દેશોએ ઇઝરાયલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. તેમજ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલની કાર્યવાહીને યોગ્ય ઠેરવવામાં આવી છે. એટલું જ નહીં, અન્ય દેશોના ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધમાં પ્રવેશવાના ડરને ધ્યાનમાં રાખીને અમેરિકા અને બ્રિટને પણ ઈઝરાયલ બોર્ડર પાસે પોતાના ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે.


સુનકે ઈઝરાયલને મોટી મદદ કરી


હમાસ સાથે યુદ્ધ શરૂ થયા બાદ બ્રિટિશ પીએમ સુનકે ઈઝરાયલની મદદ માટે એક જાસૂસી વિમાન, બે યુદ્ધ જહાજ, ત્રણ મર્લિન હેલિકોપ્ટર અને મરીન કમાન્ડોની એક કંપની મોકલી છે. તેમને ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે. જેથી પ્રાદેશિક સંતુલન બનાવી શકાય. બ્રિટિશ વડા પ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ઇઝરાયલની મદદ માટે રોયલ નેવી ટાસ્ક ગ્રુપ મોકલી રહ્યા છે. તેઓને આવતા અઠવાડિયે ભૂમધ્ય સમુદ્રમાં મોકલવામાં આવશે. આ દળમાં એક P8 એરક્રાફ્ટ, સર્વેલન્સ એસેટ્સ, બે રોયલ નેવી જહાજો - RFA લાઇમ બે અને RFA આર્ગસ, ત્રણ મર્લિન હેલિકોપ્ટર અને રોયલ મરીન કમાન્ડોની એક કંપનીનો સમાવેશ થાય છે.


અમેરિકાએ ઈઝરાયલને ક્લીનચીટ આપી


બીજી તરફ ગાઝા હોસ્પિટલ પર હુમલામાં અમેરિકાએ પણ ઈઝરાયલને ક્લીનચીટ આપી દીધી છે. વાસ્તવમાં, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન બુધવારે ઇઝરાયલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઈઝરાયલે હોસ્પિટલ પર હુમલો કર્યો નથી. હુમલામાં અન્ય કોઈનો હાથ હોવાનું જણાય છે. તેમણે ઈઝરાયલ પરના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. એટલું જ નહીં, બાઇડને કહ્યું કે હમાસના લોકોએ નરસંહાર કર્યો છે. હમાસ આખા પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેમણે ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો