Israel Palestine Conflict: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલ આર્મી (IDF) એક વિશાળ ટનલ શોધી હતી.  IDFએ દાવો કર્યો છે કે આ હમાસની સૌથી મોટી ટનલ સિસ્ટમ છે. IDF એ રવિવાર (17 ડિસેમ્બર) ના રોજ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "એક્સપોઝ્ડ: હમાસની સૌથી મોટી આતંકી સુરંગ મળી આવી છે." આ વિશાળ ટનલ સિસ્ટમ ચાર કિલોમીટર (2.5 માઇલ) સુધી ફેલાયેલી છે.






'ગાઝાના લોકોએ ઈઝરાયલમાં પ્રવેશવા માટે ટનલનો ઉપયોગ કર્યો'


IDF એ દાવો કર્યો છે કે ટનલનું પ્રવેશદ્વાર એરેઝ ક્રોસિંગથી માત્ર 400 મીટરના અંતરે છે અને ગાઝાના લોકો દરરોજ ઇઝરાયલમાં કામ કરવા અને ઇઝરાયલની હોસ્પિટલોમાં સારવાર લેવા માટે તેનો ઉપયોગ કરે છે.IDF અનુસાર, આ ટનલ સિસ્ટમ હમાસના નેતા યાહ્યા સિનવારના ભાઈ અને હમાસની ખાન યુનિસ બટાલિયનના કમાન્ડર મોહમ્મદ સિનવારની આગેવાની હેઠળનો પ્રોજેક્ટ હતો.


IDFએ હુમલાને લઈને આ માહિતી આપી હતી


ન્યૂઝ એજન્સી એએનઆઈએ ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલને ટાંકીને કહ્યું કે આઈડીએફનું કહેવું છે કે તેણે તાજેતરમાં ગાઝા પટ્ટીમાં હમાસની લગભગ 200 જગ્યાઓ પર હુમલો કર્યો છે. IDFએ કહ્યું છે કે પેરાટ્રૂપર્સ બ્રિગેડે શેજૈયામાં હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા ઘણા એપાર્ટમેન્ટ્સ પર દરોડા પાડ્યા છે અને આ દરમિયાન હથિયારો, વિસ્ફોટક ડિવાઇસ અને અન્ય લશ્કરી સાધનો મળી આવ્યા છે.


IDF અનુસાર, તેના સૈનિકોને 15-મીટર લાંબી ટનલ મળી હતી, જે બાદમાં હવાઈ હુમલામાં નષ્ટ કરાઇ હતી. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના કમાન્ડો બ્રિગેડે હમાસના હથિયારોના ડેપો પર હવાઈ હુમલો કર્યો હતો જેમાં દક્ષિણ ગાઝામાં એક ઓપરેટિવ રહેતો હતો. આ સિવાય કમાન્ડો બ્રિગેડે ખાન યુનિસમાં સાત સશસ્ત્ર હમાસ ઓપરેટિવ્સની ઓળખ કરી અને તેમના પર હવાઈ હુમલા કર્યા હતા.


IDF અનુસાર, 646મી બ્રિગેડે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સીની નજીકની ભૂતપૂર્વ UNWRA સ્કૂલની નજીક એક બિલ્ડિંગ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી રોકેટ બનાવવામાં વપરાતી મશીનરી મળી આવી હતી. ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે શાળાના વિસ્તારમાંથી ત્રણ માઇન શાફ્ટ મળી આવ્યા છે.


ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં કેટલા જીવ ગયા?


નોંધનીય છે કે 7 ઓક્ટોબરના રોજ ગાઝા પટ્ટીથી કાર્યરત ઉગ્રવાદી સંગઠન હમાસે દક્ષિણ ઈઝરાયલ પર ઘાતક હુમલો કર્યો હતો અને ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કરાર હેઠળ કેટલાક બંધકો અને કેદીઓની અદલાબદલી કરવામાં આવી ત્યારે વચ્ચે એક અઠવાડિયા સુધી યુદ્ધવિરામ થયો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ, આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જેમાંથી ઓછામાં ઓછા 18,787 પેલેસ્ટિનિયન ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે અને ઇઝરાયેલમાં 1,140ના મોત થયા છે.