તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન એઆઈએમઆઈએમ (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા અંગે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઈઝરાયલે ભારતને અંધારામાં રાખીને છેતરપિંડી કરી છે અને જો વડાપ્રધાનનું વિમાન તે સમયે આકાશમાં હોત તો મોટી જાનહાનિનું જોખમ ઊભું થઈ શક્યું હોત. ઓવૈસીએ ભારતના 80 વર્ષ જૂના તટસ્થતાના વારસા અને વિદેશમાં વસતા કરોડો ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા સરકાર પાસે સ્પષ્ટતાની માંગ કરી હતી.
વડાપ્રધાનની સુરક્ષા અને ઈઝરાયલનો છૂપો એજન્ડા
અસદુદ્દીન ઓવૈસીએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશની જનતાને એ જણાવવું જોઈએ કે શું ઈઝરાયલના નેતા નેતન્યાહૂએ તેમને ઈરાન પર થનારા સંભવિત હુમલા વિશે પૂર્વ જાણકારી આપી હતી? જો ઈઝરાયલે ભારતને આ અંગે વાકેફ કર્યા હોત, તો વડાપ્રધાને પોતાની વિદેશ મુલાકાત તાત્કાલિક ટૂંકાવીને સ્વદેશ પરત આવી જવું જોઈતું હતું. ઓવૈસીએ પ્રશ્ન કર્યો હતો કે, "જો વડાપ્રધાનનું વિમાન તે સમયે હવામાં હોત અને આ પ્રકારનો મિસાઈલ હુમલો થયો હોત, તો તેની જવાબદારી કોણ સ્વીકારત?" તેમણે ઉમેર્યું હતું કે જો ઈઝરાયલે આક્રમણ માટે અમેરિકા સાથે મળીને ગુપ્ત યોજના બનાવી હોય અને ભારતને જાણ ન કરી હોય, તો તે સ્પષ્ટપણે વિશ્વાસઘાત છે.
ભારતના તટસ્થતાના વારસા પર જોખમ
ઓવૈસીએ ભારતના દાયકાઓ જૂના વિદેશ નીતિના અભિગમ પર ભાર મૂકતા કહ્યું હતું કે, છેલ્લા 80 વર્ષથી ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે તટસ્થતા જાળવી રાખવા માટે જાણીતું છે. ઈઝરાયલે વડાપ્રધાનની મુલાકાતનો ઉપયોગ પોતાના હુમલાઓને યોગ્ય ઠેરવવા અને ગાઝામાં ચાલી રહેલા નરસંહાર પરથી વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે કર્યો છે. આ ઘટનાથી વિશ્વમાં એવો સંદેશ જઈ રહ્યો છે કે ભારત માત્ર ઈઝરાયલની પડખે ઊભું છે, જે આપણી સંતુલિત છબીને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે સવાલ કર્યો હતો કે આ સંઘર્ષ અને હુમલાઓથી ભારતને આખરે શું લાભ મળી રહ્યો છે?
અખાતી દેશોમાં વસતા ભારતીયોની ચિંતા
ખાડી દેશોમાં વસતા અંદાજે 10 મિલિયન એટલે કે 1 કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે પણ ઓવૈસીએ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાનની મુલાકાત પૂર્ણ થાય અને તરત જ ઈઝરાયલ હુમલો કરે, ત્યારે તે દેશોના સામાન્ય નાગરિકોમાં ભારત પ્રત્યે નકારાત્મક છબી ઊભી થાય છે. બહેરીન, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશો પર પણ યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. આવા સમયે ભારત સરકારે ઈરાનમાં રહેતા 50,000 અને ઈઝરાયલમાં વસતા 10,000 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે નક્કર આયોજન કરવું જોઈએ.
