દુનિયા અત્યારે જાણે બારૂદના ઢગલા પર બેઠી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવે આખી દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની ફાળ પાડી છે. જો પરિસ્થિતિ વધુ વણસે અને ખરેખર મહાયુદ્ધ છેડાય, તો સવાલ એ થાય છે કે સૌથી પહેલો અને સૌથી મોટો વિનાશ ક્યાં થશે? વ્યૂહરચનાકારો માને છે કે જો પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે, તો મધ્ય પૂર્વથી લઈને યુરોપ અને એશિયાના કેટલાક દેશો દુનિયાના નકશા પરથી કાયમ માટે ભૂંસાઈ શકે છે. આ યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નહીં રહે, પણ તેની અસરથી મહાસત્તાઓના મોટા શહેરો અને ગરીબ દેશોમાં ભૂખમરો પણ પાયમાલી સર્જશે.

મધ્ય પૂર્વ બનશે યુદ્ધનું એપીસેન્ટર: ઈઝરાયલ અને ઈરાન પર સૌથી મોટું જોખમ

ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પશ્ચિમ એશિયા એટલે કે મધ્ય પૂર્વથી થવાની પૂરેપૂરી શક્યતા છે. ઈઝરાયલ અને ઈરાન આ સંઘર્ષના મુખ્ય કેન્દ્રો છે. પોતાની સુરક્ષા માટે ઈઝરાયલ સૌથી પહેલા ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરી શકે છે, તો સામે પક્ષે ઈરાન તેના સંગઠનો દ્વારા ઈઝરાયલના રહેણાંક વિસ્તારો પર મિસાઈલોનો વરસાદ કરી શકે છે. તેલના કુવાઓ અને રિફાઇનરીઓમાં લાગનારી આગ આખા પ્રદેશને ધુમાડાના ગોટામાં ફેરવી દેશે, જેના કારણે આ બંને દેશોમાં જનજીવન સાવ અસ્તવ્યસ્ત થઈ જશે.

યુરોપમાં રશિયાનો કહેર: યુક્રેન, પોલેન્ડ અને જર્મની નિશાના પર

યુક્રેન તો અત્યારે પણ રશિયા સામે ઝઝૂમી રહ્યું છે, પણ જો વિશ્વયુદ્ધ થાય તો રશિયા તેના હુમલાની તીવ્રતા અનેકગણી વધારી દેશે. રશિયાનું નિશાન માત્ર કિવ જ નહીં, પણ પોલેન્ડ અને બાલ્ટિક દેશો પણ હશે, કારણ કે નાટો (NATO) દેશો અહીંથી જ રશિયાને ઘેરવાનો પ્રયાસ કરશે. પશ્ચિમી દેશોના સૈન્ય અડ્ડાઓ હોવાને કારણે પોલેન્ડ અને જર્મની પર રશિયાની પરમાણુ મિસાઈલો ત્રાટકી શકે છે, જે આ પ્રદેશોને કાટમાળના ઢગલામાં ફેરવી શકે છે.

એશિયામાં પણ મચશે હાહાકાર: તાઇવાન અને દક્ષિણ કોરિયાની ખતરનાક સ્થિતિ

એશિયામાં યુદ્ધનો મોરચો તાઇવાન અને દક્ષિણ કોરિયાથી ખુલે તેવી શક્યતા છે. જો અમેરિકા પશ્ચિમ એશિયા કે યુરોપમાં વ્યસ્ત થશે, તો ચીન આ તકનો ફાયદો ઉઠાવી તાઇવાન પર કબજો કરવા હુમલો કરી શકે છે. બીજી તરફ, ઉત્તર કોરિયા પણ આ અરાજકતાનો લાભ લઈ દક્ષિણ કોરિયા અને જાપાન પર મિસાઈલો છોડી શકે છે. સિઓલ અને ટોક્યો જેવા ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં આનાથી ભયાનક જાનહાનિ થઈ શકે છે.

મહાસત્તાઓના શહેરો પર સીધો ખતરો: લંડન, ન્યૂયોર્ક અને મોસ્કો પણ સલામત નથી

વિશ્વયુદ્ધમાં કોઈ પણ ખૂણો સુરક્ષિત નહીં રહે. રશિયાની અત્યાધુનિક મિસાઈલો સીધી વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને લંડન જેવા શહેરોને નિશાન બનાવી શકે છે. તેના જવાબમાં અમેરિકા પણ મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ જેવા રશિયન શહેરોને રાખમાં ફેરવી દેવાની ક્ષમતા રાખે છે. આ શહેરો પર કદાચ થોડો મોડો હુમલો થાય, પણ જ્યારે થશે ત્યારે પરમાણુ વિકિરણો (Radiation) એટલા ઘાતક હશે કે ત્યાં બચવું અશક્ય બની જશે.

મિસાઈલથી પણ વધુ ખતરનાક: તેલની તંગી અને વૈશ્વિક દુષ્કાળ

યુદ્ધ માત્ર ગોળા-બારૂદથી જ નહીં, પણ ભૂખમરાથી પણ વિનાશ વેરશે. ઈરાન જો હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દે તો તેલનો પુરવઠો ઠપ થઈ જશે. આના કારણે ઊર્જા સંકટ ઊભું થશે અને જાપાન સહિતના અનેક યુરોપિયન દેશો અંધકારમાં ડૂબી જશે. ટ્રાન્સપોર્ટ બંધ થતા અનાજની હેરાફેરી અટકી જશે, જેના પરિણામે આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોમાં ભયંકર દુષ્કાળ પડશે. આમ, લડાઈ ભલે શક્તિશાળી દેશો વચ્ચે હોય, પણ આર્થિક રીતે નબળા દેશો તેનો સૌથી પહેલો શિકાર બનશે.