Israel opposes US Iran deal: પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) માં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર થવા જઈ રહ્યો છે, જેનું વૈશ્વિક સ્તરે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પરંતુ, ઈરાન સામે સીધા યુદ્ધમાં ઉતરેલું ઇઝરાયલ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતથી ભારે નારાજ દેખાઈ રહ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં આગામી 19 જૂન, 2026 ના રોજ આ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થાય તે પહેલાં જ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના કેબિનેટ મંત્રીઓએ આ ડીલનો ઉગ્ર વિરોધ કર્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ પોતાની સુરક્ષા સાથે કોઈપણ કિંમતે સમાધાન નહીં કરે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે ઇઝરાયલી સેનાએ સોમવારે, 15 જૂન, 2026 ના રોજ દક્ષિણ લેબનોનના અનેક શહેરો પર ફરીથી જોરદાર હવાઈ હુમલા અને તોપમારો કરીને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ અત્યારે યુદ્ધ રોકવાના મૂડમાં નથી.
શાંતિ કરારની જાહેરાત વચ્ચે લેબનોન પર ઇઝરાયલના હુમલા
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRIB એ લેબનોનના સ્થાનિક સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, અમેરિકા-ઈરાન વચ્ચેની ડીલથી અસંતુષ્ટ ઇઝરાયલી સેનાએ 15 જૂને દક્ષિણ લેબનોનના ઝવતાર, મરકાબા અને ખિયામ જેવા સરહદી શહેરો પર આડેધડ હવાઈ હુમલા અને તોપમારો કર્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ હુમલાઓમાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, પરંતુ આનાથી આખા વિસ્તારમાં યુદ્ધનો ભય ફરીથી વધી ગયો છે.
ઇઝરાયલના સંરક્ષણ મંત્રીની ખુલ્લી ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચેના આ શાંતિ કરારનો સૌથી મોટો વિરોધ ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે કર્યો છે. તેમણે કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે, જો લેબનોનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીના જવાબમાં ઈરાન ઇઝરાયલ પર હુમલો કરવાની ભૂલ કરશે, તો તેલ અવીવ (ઇઝરાયલ) પોતાની પૂરી તાકાતથી તેનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઇઝરાયલ લેબનોન, સીરિયા કે ગાઝા પટ્ટીમાંથી પોતાની સેનાને કોઈપણ સંજોગોમાં પાછી બોલાવશે નહીં.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
'અમે અમેરિકાના ગુલામ નથી, પીછેહઠનો સવાલ જ નથી'
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સંરક્ષણ મંત્રી કાત્ઝે ઉમેર્યું કે, "આ તમામ સરહદી વિસ્તારો પર સેનાનું સુરક્ષા નિયંત્રણ જાળવવું એ ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) ની સૌથી મોટી સિદ્ધિ છે. તેથી, ગમે તેટલું આંતરરાષ્ટ્રીય દબાણ આવે તો પણ અમે લેબનોનમાંથી પીછેહઠ નહીં કરીએ." વડાપ્રધાન નેતન્યાહૂએ પણ ઇઝરાયલના આ કડક નિર્ણયની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાણ કરી દીધી છે.
બીજી તરફ, ઇઝરાયલના જમણેરી ગઠબંધન સરકારના કટ્ટરપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગ્વિરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરા પ્રહારો કરતા લખ્યું કે,
"ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલો આ કરાર આપણને બિલકુલ બંધનકર્તા નથી. ઇઝરાયલ કઈ અમેરિકાને આધીન નથી, અમે એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છીએ. જે કરાર આપણી સુરક્ષા સુનિશ્ચિત ન કરતો હોય તેનો અમે હિસ્સો બની શકીએ નહીં. જ્યાં સુધી આતંકી સંગઠન હિઝબુલ્લાહનો સંપૂર્ણ વિનાશ ન થાય ત્યાં સુધી અમે કોઈ સમાધાન સ્વીકારીશું નહીં અને અમારા બહાદુર સૈનિકોએ મુક્ત કરાવેલા એક પણ વિસ્તારમાંથી સેના પાછી હટશે નહીં."
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!
