Israel-Iran War: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મોતના મોતના અહેવાલો વચ્ચે રવિવારે (15 માર્ચ, 2026) તેમનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નેતન્યાહૂ સંપૂર્ણપણે સ્વસ્થ દેખાઈ રહ્યા છે અને એક કેફેમાં કોફી ઓર્ડર કરતા જોવા મળી રહ્યા છે.
હકીકતમાં, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનના હુમલામાં પીએમ નેતન્યાહૂનું મોત થયું છે. ઇઝરાયેલે શરૂઆતમાં જ આ અફવાને ખોટી ગણાવી હતી, પરંતુ હવે નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કરીને આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. એટલું જ નહીં, નેતન્યાહૂ આ વીડિયોમાં પોતાના મોતના અહેવાલોની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા.
વીડિયો પોસ્ટમાં નેતન્યાહૂએ શું કહ્યું?
X પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, ‘હું મરી ગયો છું... કોફી માટે.’ હકીકતમાં, આ એક હિબ્રૂ રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય છે કોઈ વસ્તુ પ્રત્યેનો અત્યંત શોખ. તેમણે વધુમાં ઉમેર્યું, ‘શું તમે જાણો છો, હું મારા લોકો માટે મરી રહ્યો છું? તેઓ જે રીતે વર્તન કરી રહ્યા છે તે શાનદાર છે.’
આ દરમિયાન તેમણે કેમેરા સામે પોતાના બંને હાથ ઊંચા કરીને આંગળીઓ પણ બતાવી હતી. વાત જાણે એમ છે કે, સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુરુવારે (12 માર્ચ, 2026) યોજાયેલી પ્રેસ કોન્ફરન્સના ફૂટેજમાં તેમના એક હાથમાં છ આંગળીઓ દેખાઈ રહી છે, જે AI દ્વારા બનાવવામાં આવી હતી. આ બાબતે પ્રતિક્રિયા આપતા નેતન્યાહૂએ કહ્યું, ‘શું તમે મારી આંગળીઓ ગણવા માંગો છો? તમે તેમને અહીં જોઈ શકો છો. જુઓ.’
ઇઝરાયેલના લોકોને નેતન્યાહૂએ શું સંદેશ આપ્યો?
આ પ્રસંગે પીએમ નેતન્યાહૂએ ઇઝરાયેલના નાગરિકોને સંબોધતા કહ્યું કે તેમને કોફી ખૂબ જ પસંદ છે અને પોતાના લોકો પ્રત્યે પણ તેમને એટલો જ લગાવ છે. તેમણે નાગરિકોને કહ્યું, ‘બહાર જઈને થોડી તાજી હવા લો, પરંતુ કોઈ સુરક્ષિત સ્થળની નજીક જ રહો. તમારી હિંમત ખરેખર અદ્ભુત છે. આ મને, અમારી સરકારને, ઇઝરાયેલી સુરક્ષા દળોને અને મોસાદને શક્તિ આપે છે.’
તેમણે આગળ કહ્યું કે ઇઝરાયેલ ઈરાન પર જોરદાર હુમલો કરી રહ્યું છે. અમે એવા કામ કરી રહ્યા છીએ જેના વિશે હું અત્યારે જણાવી શકતો નથી, પરંતુ અમે આજે પણ ઈરાનને ખૂબ કડક જવાબ આપી રહ્યા છીએ. જો તમે મને કહેતા હોવ કે આગળ વધતા રહો, તો હું પણ તમને બધાને કહું છું કે તમે પણ આગળ વધતા રહો.’
