Israel attack on Damascus: ઈરાનના સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈઝરાયેલ દ્વારા સીરિયાની રાજધાની દમાસ્કસ પર થયેલા તાજેતરના હુમલાઓની સખત નિંદા કરી છે. તેમણે આ હુમલાઓને માત્ર સીરિયા પરનો હુમલો નહીં, પરંતુ સમગ્ર ઈસ્લામિક વિશ્વ માટે એક ગંભીર ચેતવણી ગણાવી છે. ગાલિબાફે દાવો કર્યો છે કે આ હુમલા "વૈશ્વિક પ્રભુત્વ પ્રણાલીના એજન્ટો અને પ્રતિનિધિઓ" દ્વારા કરવામાં આવેલા ઊંડા કાવતરાનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ઇસ્લામિક રાષ્ટ્રોને અસ્થિર કરવા, તેમને નિઃશસ્ત્ર કરવા અને વિભાજીત કરવાનો છે.
સીરિયાની એકતાનું સમર્થન અને પ્રાદેશિક સ્થિરતા પર અસર
ગાલિબાફે સ્પષ્ટપણે જણાવ્યું કે ઈરાન હંમેશા સીરિયાના લોકો અને તેની પ્રાદેશિક અખંડિતતા તથા એકતાને સમર્થન આપે છે. તેમણે દમાસ્કસ પરના હુમલાને માત્ર એક અલગ ઘટના ગણાવી નથી, પરંતુ સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા ફેલાવવા માટેની સુનિયોજિત રણનીતિનો ભાગ ગણાવ્યો છે.
દમાસ્કસ છેલ્લું નહીં હોય: ગાલિબાફની આકરી ચેતવણી
ઈરાની સ્પીકરે ચેતવણી આપતા કહ્યું કે, હવે ઇસ્લામિક ઉમ્માહ (સમાજ) સમજી ચૂક્યું છે કે ઝાયોનિસ્ટ શાસન દ્વારા દમાસ્કસ એ છેલ્લી રાજધાની નથી જેને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "જો આ આગને હવે રોકવામાં નહીં આવે, તો તે આખા ક્ષેત્રમાં ફેલાઈ જશે. ઇસ્લામિક સરકારો અને રાષ્ટ્રોએ એક થવું પડશે અને અમેરિકાના પાલતુ કૂતરા (ઈઝરાયલ) ને રોકવા પડશે, તે પહેલાં આ આગ તેમનામાં પણ ફેલાઈ જાય." તેમણે વધુમાં ઉમેર્યું કે, આ શાસનનો મુખ્ય હેતુ ઇસ્લામિક દેશોને અસ્થિર, નિઃશસ્ત્ર અને ટુકડાઓમાં વહેંચીને પોતાનો પ્રાદેશિક નિયંત્રણ વિસ્તારવાનો છે.
મુસ્લિમ દેશોને એકતા માટે અપીલ
ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈઝરાયેલના જોડાણને મુસ્લિમ દેશો માટે અત્યંત ઘાતક ગણાવ્યું. તેમણે અપીલ કરી કે ઈઝરાયલી શાસનનો ઉદ્દેશ્ય મુસ્લિમ દેશોને નબળા પાડવાનો અને તેમને વિભાજીત કરવાનો છે, તેથી આ તમામ હુમલાઓ સામે બધા ઇસ્લામિક દેશોએ એક થવું પડશે.
ગાલિબાફે અંતમાં કહ્યું કે જે સરકારો ઈઝરાયલ સાથે પોતાની સુરક્ષા જોઈ રહી છે, તેઓ ભ્રમમાં જીવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "આ ઝાયોનિસ્ટ શાસન ફક્ત સત્તાની ભાષા સમજે છે. આ શાસન સમગ્ર પ્રદેશમાં શાંતિ, સ્થિરતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો સૌથી મોટો દુશ્મન છે."