US Israel Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધવિરામ (સીઝફાયર) પર સહમતી બની હોવા છતાં મિડલ ઈસ્ટમાં તણાવ યથાવત છે. આ દરમિયાન ઈઝરાયેલે હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના ભત્રીજા અલી યુસુફ હારશીને મારી નાખવાનો મોટો દાવો કર્યો છે. જોકે, હિઝબુલ્લાહ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, "IDF એ બેરૂત વિસ્તારમાં હુમલો કર્યો અને હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના પર્સનલ સેક્રેટરી અને ભત્રીજા અલી યુસુફ હારશીને ઠાર માર્યો છે."
રોયટર્સના અહેવાલ મુજબ, ઈઝરાયેલે ગુરુવારે (9 એપ્રિલ) જાહેરાત કરી છે કે તેણે લેબનાનની રાજધાની બેરૂતમાં રાત્રે કરેલા હુમલામાં ઈરાન સમર્થિત લેબનાની જૂથ હિઝબુલ્લાહના ચીફના ભત્રીજાને મારી નાખ્યો છે. જો હિઝબુલ્લાહ અલી યુસુફ હારશીના મોતના સમાચારની પુષ્ટિ કરે છે, તો આ સશસ્ત્ર જૂથ અને તેહરાન માટે મોટો ફટકો હશે, કારણ કે હિઝબુલ્લાહ મધ્ય પૂર્વમાં ઈરાનના મુખ્ય સાથીઓમાંથી એક છે.
ઈઝરાયેલે લેબનાન પર હુમલા તેજ કર્યા
ઈરાન સાથે યુદ્ધવિરામ પર સહમતી બન્યા પછી પણ લેબનાન પર ઈઝરાયેલના હુમલા ચાલુ છે. બુધવાર (8 એપ્રિલ) થી અત્યાર સુધીમાં ઈઝરાયેલી હુમલામાં 254 લોકોના મોત થયા છે, જ્યારે 1165 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં લેબનાનના ઈમામનું પણ મોત થયું છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અગાઉ કહ્યું હતું કે યુદ્ધવિરામમાં લેબનાનનો સમાવેશ કરવામાં આવશે નહીં.
અરાઘચીની ચેતવણી
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ લેબનાન પરના હુમલા રોકવાની ચેતવણી આપી છે. તેમણે ઉમેર્યું કે જો લેબનાન પરના હુમલા બંધ નહીં થાય તો ઈરાન યુદ્ધવિરામ કરાર રદ કરી દેશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, "ઈરાન-અમેરિકા યુદ્ધવિરામની શરતો સ્પષ્ટ છે, અમેરિકાએ કાં તો યુદ્ધવિરામ પસંદ કરવો પડશે અથવા ઈઝરાયેલ દ્વારા યુદ્ધ ચાલુ રાખવું પડશે. તે બંને પસંદ કરી શકે નહીં."
કોણ છે નઈમ કાસિમ?
hezbollah.org મુજબ, નઈમ કાસિમનો જન્મ દક્ષિણ લેબનાનના નબાતિયેહ પ્રાંતના કફર કિલા ગામમાં થયો હતો. કાસિમ હિઝબુલ્લાહના મુખ્ય વિચારકો અને સ્થાપક સભ્યોમાંના એક છે. કાસિમે 1970માં લેબનાની યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતક (Graduation) કર્યું હતું, સાથે સાથે ઇસ્લામિક વિદ્વાન અયાતુલ્લા મોહમ્મદ હુસૈન ફદલલ્લાહ હેઠળ ધાર્મિક અભ્યાસ પણ કર્યો હતો. તેઓ 1974-1988 સુધી એસોસિએશન ફોર ઈસ્લામિક રિલિજિયસ એજ્યુકેશનના વડા હતા અને લેબનાની મુસ્લિમ વિદ્યાર્થીઓના સંઘના સ્થાપક સભ્ય પણ હતા.
