દક્ષિણ-પશ્ચિમ જાપાનના બુધવારે એક સ્થાનિક એરપોર્ટને અચાનક બંધ કરવું પડ્યું હતું અને બંધ થવાનું કારણ પણ અલગ હતું. વાસ્તવમાં રનવેની નજીક એક વિસ્ફોટ થયો હતો જેના કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે આ બોમ્બનો ઉપયોગ અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કર્યો હતો.
આ બ્લાસ્ટ બાદ એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું અને 80થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. જાપાનના પરિવહન મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના કારણે રનવેની બાજુમાં ટેક્સીવેની મધ્યમાં સાત મીટર (23 ફૂટ) પહોળો અને એક મીટર (3.2 ફૂટ) ઊંડો ખાડો પડતાં મિયાઝાકી એરપોર્ટે તેનો રનવે બંધ કરી દીધો હતો.
એરપોર્ટ પર અમેરિકન બોમ્બ બ્લાસ્ટ થયો
અધિકારીએ કહ્યું કે જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ-ડિફેન્સ ફોર્સની બોમ્બ ડિસ્પોઝલ ટીમે પાછળથી શોધી કાઢ્યું કે વિસ્ફોટનું કારણ એક અમેરિકન બોમ્બ હતો, જે જમીનની નીચે દટાયેલો હતો. સંભવત આ બોમ્બ એ સમયનો હતો જ્યારે અમેરિકાએ અહીં હવાઈ હુમલા કર્યા હતા.
સ્થાનિક બ્રોડકાસ્ટર એમઆરટીના જણાવ્યા અનુસાર, ઈજાના કોઈ અહેવાલો નથી પરંતુ લાઈવ કેમેરા ફૂટેજમાં વિસ્ફોટની માત્ર બે મિનિટ પહેલાં નજીકમાં એક વિમાન ઉતરાણ કરતું દર્શાવવામાં આવ્યું હતું. જાપાનના ટોચના સરકારના પ્રવક્તા યોશિમાસા હયાશીએ જણાવ્યું હતું કે રનવે બંધ થવાને કારણે 87 ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી હતી. ખાડા પુરવાની મરામતની કામગીરી ગુરુવારે સવાર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
2023માં 2348 બોમ્બ મળી આવ્યા હતા
ક્યુશુ ટાપુના દક્ષિણ-પૂર્વીય છેડે આવેલા મિયાઝાકી એરપોર્ટ અગાઉ બીજા વિશ્વ યુદ્ધના અંત સુધી જાપાની નૌકાદળનું મથક હતું. અહીંથી સેંકડો યુવાન "કામિકેઝ" પાયલટ્સ તેમના છેલ્લા મિશન પર રવાના થયા હતા. પરિવહન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, મિયાઝાકી એરપોર્ટ પર પહેલાથી જ ઘણા બ્લાસ્ટ ન થયા હોય એવા બોમ્બ મળી આવ્યા હતા.
અમેરિકા અને જાપાન વચ્ચેના યુદ્ધને 79 વર્ષ થઈ ગયા છે પરંતુ આટલા વર્ષો વીતી જવા છતાં પણ જાપાનમાં ઘણી જગ્યાએ બોમ્બ મળી આવે છે. જાપાની સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, એકલા વર્ષ 2023 દરમિયાન 37.5 ટન વજનના કુલ 2,348 બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા.