Mark Carney Canada Prime Minister: લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્નીએ શુક્રવારે (14 માર્ચ, 2025) કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા. અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્ની તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. તેમણે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું છે, જેમણે આ વર્ષે જાન્યુઆરીમાં ઘણા સહયોગીઓના રાજીનામા અને સરકાર પર વધી રહેલા દબાણને કારણે રાજીનામું આપ્યું હતું.


અગાઉ બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના વડા તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી ચૂકેલા માર્ક કાર્ની હવે અમેરિકા અને ભારત સાથેના સંબંધોને સુધારવા અને કેનેડાની આર્થિક સ્થિરતાને સુનિશ્ચિત કરવા જેવા મોટા પડકારોનો સામનો કરશે.


માર્ક કાર્ની આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને ફાઇનાન્સ જગતમાં એક પ્રતિષ્ઠિત નામ છે. બેંક ઓફ કેનેડાના વડા તરીકે તેમણે 2008ની વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન કેનેડાની અર્થવ્યવસ્થાને સફળતાપૂર્વક સ્થિર રાખી હતી. ત્યારબાદ 2013માં તેઓ બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ બિન-બ્રિટીશ ગવર્નર બન્યા અને બ્રેક્ઝિટના આર્થિક પ્રભાવોને ઘટાડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનો આર્થિક અનુભવ અને નીતિગત સમજ કેનેડાને તેના વર્તમાન પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે.


જો કે, કાર્ની માટે સૌથી મોટો પડકાર યુએસ-કેનેડા વચ્ચેનો વેપાર વિવાદ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદ્યા છે, જેના કારણે બંને દેશોના વેપાર સંબંધોમાં તણાવ ઊભો થયો છે. એટલું જ નહીં, ટ્રમ્પે 2 એપ્રિલથી તમામ કેનેડિયન ઉત્પાદનો પર વધુ ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું છે કે કેનેડા અને અમેરિકા વચ્ચેની સરહદ માત્ર એક કાલ્પનિક રેખા છે અને કેનેડાને 51મું યુએસ રાજ્ય બનાવવાનું સૂચન પણ કર્યું હતું, જેનાથી કેનેડાના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ટ્રમ્પની નીતિઓથી નારાજ કેનેડાના લોકો અમેરિકન ઉત્પાદનો ખરીદવાનું ટાળી રહ્યા છે અને NHL અને NBA ગેમ્સમાં અમેરિકન રાષ્ટ્રગીતનો વિરોધ પણ કરી રહ્યા છે. સ્થાનિક વેપારીઓ પણ અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે.


આવી પરિસ્થિતિમાં, માર્ક કાર્નીનું મુખ્ય ધ્યાન અમેરિકા અને ભારત સાથેના સંબંધોને સુધારવા પર રહેશે તેવી અપેક્ષા છે. તાજેતરના વર્ષોમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં નરમાઈ જોવા મળી છે, જ્યારે ટ્રમ્પના ફરી આગમનથી કેનેડા અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. જો કે, કાર્નીના નેતૃત્વમાં પરિવર્તનની આશા સેવાઈ રહી છે. કાર્ની વ્યવસાય અને મુત્સદ્દીગીરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કેનેડામાં ભારતીય મૂળના ઇમિગ્રન્ટ્સની મોટી સંખ્યા પણ દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે દબાણ લાવશે. હવે જોવાનું એ રહેશે કે માર્ક કાર્ની આ પડકારોનો સામનો કરીને કેનેડાને કઈ દિશામાં લઈ જાય છે.