અંધશ્રદ્ધા ખૂબ જ ખરાબ ચીજ છે. તેમાં પડેલા લોકો ન જાણે શું શું કરતા હોય છે. વર્ષ 2018માં રાજધાની દિલ્હીમાં અંધશ્રદ્ધામાં આવીને એક જ પરિવારના 11 લોકોએ  સામુહિક હત્યા કરી હતી. તે સમયે આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ હતી. એક જ પરિવારના આટલા સભ્યોએ ભૂત-પ્રેત તથા અંધવિશ્વાસના ચક્કરમાં મોતને ગળે લગાવી લીધું હતું.


ક્યાં બની હતી આ ઘટના


આવું જ કઈંક થોડા વર્ષો પહેલા અમેરિકાના ગુયાનામાં જોવા મળ્યું હતું. અહીંયા એક સાથે 900થી વધારે લોકોએ એક સાથે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને દુનિયાની સૌથી મોટી આત્મહત્યા માનવામાં આવે છે. આ ઘટના જોસટાઉનમાં બની હતી. ત્યારે આશરે 900 લોકોએ એક સાથે ઝેર પીને મોત વ્હાલું કર્યું હતું. જે લોકો ઝેર નહોતા પીવા માંગતા તેમને પણ બળજબરીથી પીવરાવ્યું હતું.


ઘટના પાછળ કોનો હતો હાથ ?


આ ઘટના 18 નવેમ્બર, 1978ના રોજ બની હતી. આ ઘટના પાછળ જિમ જોંસ નામના ધર્મગુરુનો હાથ હતો. જે ખુદને ભગવાનનો અવતાર ગણાવતો હતો. પોતાનો લોકો વચ્ચે પ્રસિદ્ધ કરવા માટે તેમણે જરૂરિયાતમંદોની મદદના નામે 1956માં પીપલ્સ ટેમ્પલ એટલેકે એક ચર્ચ બનાવ્યું હતું. અંધશ્રદ્ધાના નામે તેણે હજારો લોકોને પોતાના અનુયાયી બનાવ્યા હતા. તેના વિચાર તે સમયની અમેરિકન સરકારથી અલગ હતા.


ધર્મગુરુના પાખંડ ખુલ્લા પડી ગયાને....


તે પોતાના અનુયાયીઓ સાથે શહેરથી દૂર ગુયાનાના જંગલમાં જતો રહ્યો હતો. ત્યાં એક ગામ વસાવ્યું પરંતુ થોડા જ દિવસોમાં તેની હકીકત લોકો સામે આવી ગઈ. જે બાદ તે અનુયાયીઓ પાસે દિવસભર કામ કરાવતો હતો. તનતોડ મહેનત બાદ અનુયાયીઓ રાતે થાકીને ઉંઘી જતા ત્યારે તેમને શાંતિની ઉંઘવા પણ દેતો નહોતો. આ દરમિયાન તે ભાષણ શરૂ કરી દેતો અને જો કોઈ ઉંઘતો પકડાય તો આકરી સજા પણ કરતો હતો.


જિમ લોકોને ગામની બહાર પણ જવા નહોતો દેતો. તેના સિપાહી ગામમાં ચારે બાજુ પહેરો ભરતા હતા. અમેરિકન સરકારને જ્યારે જિમના ગતિવિધિની ખબર પડી ત્યારે કાર્યવાહી કરવાનું વિચાર્યું હતું. આ દરમિયાન તે અનુયાયીઓને કહેવા લાગ્યો, અમેરિકન સરકાર આપણને બધાને મારવા આવી રહી છે. તે આપણને ગોળી મારી દે તે પહેલા આપણે બધાએ પવિત્ર જળ પીવું જોઈએ. આમ કરવાથી આપણે ગોળીના દર્દથી બચી જઈશું. જે બાદ તેણે લોકોને પાણીના ટબમાં ઝેર ભેળવીને તે પીવરાવ્યું. તેમાં 300 બાળકોના પણ મોત થયા હતા. જે પછી તેણે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.


આ પણ વાંચોઃ પોર્ન સાઇટ શોધી રહ્યું છે તાલિબાન, બનાવી રહ્યું છે સેક્સ વર્કર્સનું લિસ્ટ