Lockdown: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાંબા સમયથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લઈ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. વિક્ટોરિયા પાર્ક અને ઓનટો બ્રોડવે પર મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને લોકડાઉનનો વિરોધ કર્યો છે. દેખાવકારો તેમના હાથમાં બેનર લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


લોકડાઉનના વિરોધમાં લોકોએ માર્ચ પણ કાઢી હતી અને સરકારને લોકડાઉન ખતમ કરવાની માંગ કરી હતી. લોકોનું કહેવું છે કે લાંબા સમયથી તેઓ ઘરમાં કેદ રહેવાથી પરેશાન થઈ ગયા છે. સરકારે લોકડાઉન ખતમ કરીને લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવી જાઈએ. સિડનીમાં લોકડાઉનના વિરોધની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં એક યૂઝરે લખ્યું કે, સિડનીમાં લોકડાઉનનું વિરોધ પ્રદર્શન સુપરસ્પ્રેડર બની શકે છે. લોકો માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કર્યા વગર સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં 32,700થી વધુ કોરોના કેસ નોંધાયા છે અને 900થી વધારે લોકોના મોત થયા છે. હાલ અહીં ડેલ્ટ વેરિયંટ ફેલાઇ રહ્યો છે.




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં સતત બીજા દિવસે કોરોનાના મામલા 40 હજારથી ઓછા નોંધાયા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,097 નવા કેસ નોંધાયા છે અને 546 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 35,342 નવા મામલા આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,087 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેકે એક્ટિવ કેસમાં 3464નો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 23 જુલાઈ સુધી દેશભપમાં 42 કરોડ 78 લાખથી વધુ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 42 લાખ 67 હજાર ડોઝ અપાયા હતા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 45 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.