Mexico Bus Accident: મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં બુધવારે (5 જુલાઈ) મુસાફરોથી ભરેલી બસ પહાડી માર્ગ પરથી લપસીને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. અકસ્માતમાં બસ સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી. ઘટનાસ્થળે મદદ માટે રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી.
ઓક્સાકાના રાજ્ય વકીલ બર્નાર્ડો રોડ્રિગ્ઝ અલામિલાએ ટેલિફોન દ્વારા એએફપીને જણાવ્યું હતું કે પ્રારંભિક આંકડાઓ અનુસાર, 27 લોકો માર્યા ગયા છે અને 17 ઘાયલોને તબીબી સહાય માટે વિસ્તારની વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે અને પ્રાથમિક સંકેતો અનુસાર ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે.
વાહન ચાલકે કાબૂ ગુમાવ્યો હતો
માહિતી આપતા, નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે જ્યારે તેઓ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ઓછામાં ઓછા છ લોકો બેભાન હતા અને તેમની હાલત ગંભીર હતી. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક પરિવહન કંપની દ્વારા સંચાલિત બસ મંગળવારે (4 જુલાઈ) રાત્રે રાજધાની મેક્સિકો સિટીથી નીકળી હતી અને સેન્ટિયાગો ડી યોસુન્દુઆ શહેર તરફ જઈ રહી હતી.
રાજ્યના અધિકારી જીસસ રોમેરોએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ડ્રાઈવરે કદાચ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કમનસીબે તે 25 મીટર (80 ફૂટ) કરતાં વધુ ઊંડી ખીણમાં પડી ગયું હતું. તેમણે કહ્યું કે બસનું સંચાલન કરતી કંપની મેક્સિકો સિટીથી દરરોજ ચાલે છે.
બસનો ઉપરનો અડધો ભાગ નાશ પામ્યો
જીસસ રોમેરોએ જણાવ્યું હતું કે ઘાયલ મુસાફરોને વિસ્તારની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઇમરજન્સી સેવાઓ દ્વારા માર્યા ગયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટના પહાડી વિસ્તારમાં સ્થિત મેગડાલેના પેનાસ્કો શહેરમાં બની હતી. ત્યાં દૂરના સમુદાયો, વળાંકવાળા રસ્તાઓ અને ઢાળવાળી ઘાટીઓ છે.
ઓક્સાકા રાજ્યના ગવર્નર સલોમોન જારાએ માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે અમે મેગડાલેના પેનાસ્કોમાં થયેલા અકસ્માત પર ખૂબ જ ખેદ વ્યક્ત કરીએ છીએ. અમારા સરકારી કર્મચારીઓ પહેલાથી જ બચાવ કાર્ય પર કામ કરી રહ્યા છે અને ઘાયલોને તમામ મદદ પૂરી પાડી રહ્યા છે. પોલીસે સોશિયલ મીડિયા પર જાહેર કરેલી તસવીરોમાં બસનો ઉપરનો અડધો ભાગ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે.