Russia Ukraine War:  રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત છ દિવસથી ચાલી રહ્યું છે. રશિયાની સૈન્ય હજી પણ યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો કરી રહી છે.  રશિયાએ દાવો કર્યો હતો કે તેમના હુમલામાં 70થી વધુ યુક્રેનના સૈનિકો માર્યા ગયા છે.






રશિયન સૈનિકો હવે કિવથી માત્ર થોડા કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. બંને એકબીજાને નુકસાન પહોંચાડવાનો સતત દાવો કરી રહ્યાં છે. રશિયન સેનાએ ખાર્કિવમાં સરકારી વિભાગની હેડઓફિસ પર મિસાઈલ વડે નષ્ટ કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


દરમિયાન આજે ભારતીય દૂતાવાસે યુક્રેનના કિવ શહેરમાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક શહેર છોડવાની સલાહ આપી છે.એડવાઈઝરીમાં તમામ ભારતીયોને આજે કિવમાંથી બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે. તેમને ગમે તે માધ્યમથી કિવ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. કિવમાં રશિયન સૈનિકો સોમવાર રાતથી સતત બોમ્બ અને મિસાઈલથી હુમલો કરી રહ્યા છે. કિવને કબજે કરવા માટે રશિયા એકદમ આક્રમક બની ગયું છે. સતત હુમલાથી ખતરો વધી ગયો છે. આ જ કારણ છે કે ભારતીય એમ્બેસીએ એડવાઈઝરી જારી કરી છે.


નોંધનીય છે કે રશિયાએ યુક્રેનનાં લોકોનાં ઘરો પર બોમ્બમારો કરીને 350 લોકોની હત્યા કરી હોવાના દાવાથી ખળભળાટ મચી ગયો છે. રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. રશિયન આર્ટિલરીએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં અનેક રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો છે. ખારકિવમાં ચાલી રહેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 11 નાગરિકોના મોત થયા છે. યુક્રેનનું કહેવું છે કે ગયા ગુરુવારે હુમલો શરૂ થયો ત્યારથી 14 બાળકો સહિત 352 નાગરિકો માર્યા ગયા છે.