ISIS-khorasan: ગુરુવારે કાબુલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી હુમલામાં મુખ્ય શંકાસ્પદ અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલ આતંકવાદી સંગઠન છે. જે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS-K) તરીકે ઓળખાય છે. તાજેતરના મહિનાઓમાં ISIS-K સાથે જોડાયેલા હુમલાઓની તીવ્રતા ઘણાને ચિંતામાં મુક્યા છે. ISIS-Kની સ્થાપના છ વર્ષ પહેલા થઈ હતી. આ જૂથ તાલિબાનને સત્તા અને પ્રભુત્વની લડાઈમાં પોતાનો દુશ્મન માને છે.


2012માં લડવૈયાઓએ ઈરાન, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાનની સરહદ પર ખોરાસન નામના વિસ્તારમાં એક જૂથ બનાવ્યું. 2014માં આ જૂથ આઇએસઆઇએસ તરફ વળ્યું હતું અને તેઓ ઇસ્લામિક સ્ટેટના અભિયાનમાં જોડાયા હતા. આઈએસઆઈએસના લગભગ 20 મોડ્યુલ છે, જેમાં સૌથી ખતરનાક આઈએસઆઈએસ-કે એટલે કે ખોરાસન જૂથ છે. ખોરાસન દક્ષિણ એશિયામાં સૌથી મજબૂત નેટવર્ક ધરાવે છે. ISIS નું ખોરાસન મોડ્યુલ આ સમયે સૌથી વધુ એક્ટિવ છે.


ISIS- ખોરાસન તાલિબાન છોડીને લડવૈયાઓની ભરતી કરે છે


ખોરાસન જૂથ તાલિબાનને છોડીને આવેલા લડવૈયાઓની ભરતી કરે છે. તાલિબાનને છોડીને આવેલા લડવૈયાઓને કમાન્ડર બનાવે છે. ઉઝબેક, તાજિક, જોમ અને ચેચન્યાના યુવાનોની ભરતી કરે છે. ખોરાસન જૂથ અફઘાનિસ્તાનમાં નવો આધાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ISIS-K જૂથ અલ કાયદા સાથે સંબંધ ધરાવે છે, જેમાં અલ કાયદા દ્વારા તાલીમ પામેલા લડવૈયાઓ પણ સામેલ છે.


ધ ગાર્ડિયન અહેવાલ આપે છે કે આઇએસઆઇએસ-કે માને છે કે તાલિબાનોએ અમેરિકા સાથે વાટાઘાટો કરવાની તેમની ઇચ્છા, તેમની સ્પષ્ટ વ્યવહારિકતા અને ઇસ્લામિક કાયદાને પૂરતી કઠોરતા સાથે લાગુ કરવામાં નિષ્ફળતાને કારણે ઇસ્લામિક વિશ્વાસ છોડી દીધો છે.


કાબુલમાં આતંકી હુમલો


અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા. ક્રમિક ત્રણ આત્મઘાતી હુમલામાં તેર અમેરિકન સૈનિકો માર્યા ગયા. જ્યારે 60 થી વધુ અફઘાન નાગરિકોના મોત થયા છે. કાબુલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, હુમલામાં 150થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ISIS ખોરાસને હુમલાની જવાબદારી સ્વીકારી છે.


ભારતીય સમય અનુસાર, રાતના લગભગ સાડા ત્રણ વાગ્યે અમેરિકી રાષ્ટ્રપતિએ સમગ્ર પરિસ્થિતિ અંગે મીડિયાને માહિતી આપી અને કહ્યું કે હુમલાખોરોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. સાવચેતી તરીકે હવે કાબુલ એરપોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જો બિડેને કહ્યું, "આ હુમલાના ગુનેગારો તેમજ કોઈપણ જે અમેરિકાને નુકસાન પહોંચાડવા માંગે છે, તે જાણી લે કે અમે તમને માફ નહીં કરીએ." અમે તમને ભૂલીશું નહીં. અમે તમને મારી નાખીશું, તમારે ભોગવવું જ પડશે. અમે અમારા અને અમારા લોકોના હિતોનું રક્ષણ કરીશું. "


ISIS ખોરાસનના આતંકવાદીઓએ દાવો કર્યો છે કે તેઓએ અમેરિકન સૈનિકોને નિશાન બનાવ્યા છે. અમેરિકા કાબુલમાં મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. એરપોર્ટની બહાર હજારો લોકો ભેગા થયા છે અને આ ભીડનો ફાયદો ઉઠાવીને ISIS ખોરાસનના આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો.