Nepal Gen Z protest: નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલીએ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તાજેતરની કેબિનેટ બેઠકમાં તેમણે જણાવ્યું કે, સરકાર બેકાબૂ Gen-Z પ્રદર્શનકારીઓ સામે ઝૂકશે નહીં. આ નિવેદન બાદ નેપાળી કોંગ્રેસના મંત્રીઓએ વિરોધમાં બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. સોમવારે (8 સપ્ટેમ્બર 2025) કાઠમંડુ અને દેશના અન્ય ભાગોમાં થયેલા હિંસક પ્રદર્શનો બાદ, ગૃહમંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. હાલ રાજધાનીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ સુરક્ષા દળો હજુ પણ તૈનાત છે.
નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયે ભારે રાજકીય અને સામાજિક તણાવ ઊભો કર્યો છે. પ્રદર્શનકારીઓ દ્વારા થયેલી હિંસા અને પ્રતિક્રિયાઓમાં હવે સરકારનું વલણ પણ સ્પષ્ટ થયું છે.
વડાપ્રધાનનો અડગ નિર્ણય અને કડક વલણ
નેપાળના વડાપ્રધાન કે.પી. ઓલીએ કેબિનેટ બેઠકમાં સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવાની માંગને સ્પષ્ટપણે નકારી કાઢી. આ માંગણી નેપાળી કોંગ્રેસના મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી. પીએમ ઓલીએ આ પ્રદર્શનને હિંસક ગણાવીને તેની તપાસ માટે એક સમિતિની રચના કરવાની ભલામણ પણ કરી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “સરકાર બેકાબૂ જનરલ-ઝેડ સામે ઝૂકશે નહીં.” આ નિવેદન બાદ કોંગ્રેસના મંત્રીઓ બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા, જેનાથી ગઠબંધનમાં તણાવ સ્પષ્ટ થયો છે.
ગૃહમંત્રીનું રાજીનામું અને દેશભરમાં કર્ફ્યુ
સોમવારે (8 સપ્ટેમ્બર 2025) કાઠમંડુમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ "જનરલ-ઝેડ" ના બેનર હેઠળ સંસદ ભવન તરફ કૂચ કરી હતી. આ પ્રદર્શન હિંસક બનતા પોલીસે ભીડને વિખેરવા ગોળીબાર કરવો પડ્યો હતો. આ હિંસા બાદ નેપાળી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા ગૃહમંત્રી રમેશ લેખકે નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાઠમંડુ ઉપરાંત લલિતપુર, પોખરા, બુટવાલ અને સુનસારી જિલ્લાના ઇટહારીમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પ્રતિબંધિત વિસ્તારોમાં લોકોની અવરજવર, પ્રદર્શનો કે સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા
હાલમાં કાઠમંડુમાં પરિસ્થિતિ મહદઅંશે સામાન્ય થઈ ગઈ છે અને મોટાભાગના પ્રદર્શનકારીઓ પોતાના ઘરે પરત ફર્યા છે. જોકે, મંગળવારે (9 સપ્ટેમ્બર 2025) ફરી વિરોધ પ્રદર્શનો થવાની શક્યતાને પગલે સુરક્ષા અધિકારીઓ હાઈએલર્ટ પર છે. સંસદ સંકુલ અને અન્ય મુખ્ય વિસ્તારોમાં સેના અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સરકારના અડગ વલણ અને પ્રદર્શનકારીઓના આક્રોશ વચ્ચે, ભવિષ્યમાં આ સંઘર્ષ કઈ દિશામાં આગળ વધશે તે જોવું રહ્યું.