Nepal President Hospitalized: નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે (17 જૂન) સવારે ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલના મનમોહન કાર્ડિયો થોરાસિક વેસ્ક્યુલર એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.






નેપાળના રાષ્ટ્રપતિના ખાનગી સચિવ ચિરંજીબી અધિકારીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલની તબિયત સામાન્ય છે. નેપાળમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે એપ્રિલમાં પૌડેલને છાતી અને પેટની સમસ્યા હતી, ત્યારબાદ તેને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત 78 વર્ષીય પૌડેલે એપ્રિલ મહિનામાં છાતીમાં અસ્વસ્થતાની ફરિયાદ કર્યા પછી નેપાળની રાજધાની કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલ (TUTH) માં પાંચ દિવસ સારવાર હેઠળ હતા.






આ અઠવાડિયે બીજી વખત હોસ્પિટલમાં દાખલ


નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે પણ મંગળવારે (13 જૂન) છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાઠમંડુ પોસ્ટ અખબારે રાષ્ટ્રપતિ કાર્યાલયને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પૌડેલને સવારે 11 વાગ્યે બાંસબારીમાં શહીદ ગંગાલાલ નેશનલ હાર્ટ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અખબારે પૌડેલના અંગત ડૉક્ટર નીરજ બામને ટાંકીને જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિને કંઈ થયું નથી. તેઓ નિયમિત તપાસ માટે હોસ્પિટલ ગયા છે."


AIIMSમાં સફળ સારવાર કરવામાં આવી


નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલને એપ્રિલની શરૂઆતમાં પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ પછી તેને બે વખત મહારાજગંજની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવી દિલ્હી, ભારતના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં છાતી સંબંધિત રોગની સફળ સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થયો અને તેઓ નેપાળ ગયા.