નાઇજીરીયામાં શનિવારે રાત્રે એક મોટી ઘટના બની હતી. દેશની વાયુસેનાએ આતંકવાદીઓને નિશાન બનાવવા માટે હવાઈ હુમલો કર્યો, પરંતુ બોમ્બ એક ભીડભાડવાળા બજારમાં પડ્યો જ્યાં નાગરિકો ખરીદી કરી રહ્યા હતા. આ હુમલામાં લગભગ 200 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાઇજીરીયાની વાયુસેના બોકો હરામના આતંકવાદીઓનો પીછો કરી રહી હતી. તેઓએ ઉત્તરપૂર્વીય પ્રદેશના જિલ્લી વિસ્તારમાં આતંકવાદીઓને જોયા અને હવાઈ હુમલો કર્યો. પરંતુ આ હુમલો એવા સમયે અને સ્થળે થયો જ્યાં એક બજાર ભરાયુ હતું, જેમાં સેંકડો નાગરિકો હાજર હતા.

આ બજાર ક્યાં હતું?

જિલ્લી માર્કેટ નાઇજીરીયાના યોબે રાજ્યમાં આવેલુ છે. આ સ્થળ બોર્નો રાજ્યની સરહદ નજીક આવેલું છે. આ તે વિસ્તાર છે જ્યાં બોકો હરામનો સૌથી વધુ પ્રભાવ છે. લોકો ત્યાં દૈનિક જરૂરી વસ્તુઓ ખરીદવા અને વેચવા આવ્યા હતા.

કેટલા લોકો માર્યા ગયા?

યોબેના ગીડામ જિલ્લાના ફુચિમેરામ વોર્ડના કાઉન્સિલર લાવાન જાના નૂર ગેઈદામે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે આ હુમલામાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમણે તેને અત્યંત પીડાદાયક ગણાવ્યું હતું. ત્રણ અન્ય સ્થાનિક રહેવાસીઓ અને એક આંતરરાષ્ટ્રીય રાહત સંસ્થાના અધિકારીએ પણ હુમલા અને મૃત્યુઆંકની પુષ્ટી કરી છે.

નાઇજીરીયામાં આ લડાઈ શા માટે ચાલી રહી છે?

બોકો હરામ નામનું ખતરનાક આતંકવાદી જૂથ લાંબા સમયથી ઉત્તરપૂર્વીય નાઇજીરીયામાં સક્રિય છે. છેલ્લા ઘણા વર્ષોમાં આ જૂથે હજારો લોકોને મારી નાખ્યા છે અને લાખો લોકોને તેમના ઘર છોડવા મજબૂર કર્યા છે. નાઇજીરીયાની સેના આ આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે.

ઘાયલોનું શું થયું?

હુમલામાં ઘાયલ થયેલા લોકોને યોબે અને બોર્નો રાજ્યોની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. યોબે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી SEMA એ જણાવ્યું હતું કે તેને ઘટનાના પ્રારંભિક અહેવાલો મળ્યા છે અને રાહત પ્રયાસો શરૂ થઈ ગયા છે.

બજારમાં દવા વેચતા 43 વર્ષીય અહેમદ અલીએ રોઇટર્સને જણાવ્યું, "ધડાકો એટલો જોરદાર હતો કે હું કંઈ સમજી શક્યો નહીં. હું મારો જીવ બચાવવા ભાગવા જતો હતો ત્યારે મારા મિત્રએ મને જમીન પર સૂવા માટે ખેંચી લીધો. બધે ચીસો અને બૂમો પડી રહી હતી." સ્થાનિક કાઉન્સિલર અને ફુચિમરામ વોર્ડના પરંપરાગત વડા લાવન જન્ના નૂર ગૈદામે રોઇટર્સને જણાવ્યું કે ઘાયલોને યોબે અને બોર્નોની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, "જિલ્લી માર્કેટમાં બનેલી આ ખૂબ જ ભયાનક ઘટના છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ હવાઈ હુમલામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે."