Israel Hamas War One Year: 7 ઓક્ટોબર 2023 ઇઝરાયલ પર સૌથી મોટો હુમલો થયો હતો. આ હુમલો પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર એક દિવસમાં 1200થી વધુ ઇઝરાયલી લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને હમાસના આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ દક્ષિણ ઇઝરાયલ પર 5,000 રોકેટ છોડ્યા હતા. ત્યારબાદ સેંકડો હમાસના આતંકવાદીઓ ઇઝરાયલમાં ઘૂસ્યા હતા અને લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. આ તે દિવસ હતો જ્યારે આખો દેશ સુકોટ નામનો ધાર્મિક તહેવાર ઉજવી રહ્યો હતો. હમાસે આ હુમલાને Flood of Al-Aqsa નામ આપ્યું હતું.
ઈઝરાયલે હમાસના હુમલાનો જવાબ 8 ઓક્ટોબરે હવાઈ હુમલો કરીને આપ્યો હતો. ઇઝરાયલે ઓપરેશન સ્વોર્ડ્સ ઓફ આયરન શરૂ કર્યું અને ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી શરૂ કરી અને ગાઝા પટ્ટીના ઉત્તર ભાગમાં રહેતા અંદાજે 1.5 મિલિયન લોકોને તેમના ઘરો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો
તેના પરિણામો એક વર્ષ પછી પણ દેખાય છે જ્યારે ગાઝાના લોકોને પાણી, ખોરાક અને અન્ય મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી. જો આપણે માત્ર ગાઝાની જ વાત કરીએ તો ત્યાંની લગભગ 70 ટકા ઈમારતો સંપૂર્ણપણે નાશ પામી છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલામાં અત્યાર સુધીમાં 42 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. તેમાંથી 16,765 બાળકો છે. લગભગ 98 હજાર લોકો ઘાયલ થયા છે. 10 હજારથી વધુ લોકો ગુમ છે. બીજી તરફ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,139 ઇઝરાયલના લોકો માર્યા ગયા છે અને 8,730 ઘાયલ થયા છે. આ સિવાય હુમલામાં 125 પત્રકારોના પણ મોત થયા છે.
યુદ્ધમાં ઇઝરાયલ-હમાસને કેટલું નુકસાન થયું?
અલ ઝઝીરાના રિપોર્ટ અનુસાર, ઈઝરાયલના હુમલાને કારણે ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 80 ટકા કોમર્શિયલ સુવિધાઓ નાશ પામી છે. 87 ટકા શાળાની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ગાઝા પટ્ટીમાં 144,000 થી 175,000 ઈમારતોને નુકસાન થયું છે અથવા નાશ પામી છે. 36માંથી માત્ર 17 હોસ્પિટલો જ કાર્યરત છે. 68 ટકા રોડ નેટવર્ક નાશ પામ્યું છે અને ખેતી માટે યોગ્ય 68 ટકા જમીન બંજર બની ગઈ છે.
આર્થિક નુકસાનની વાત કરીએ તો ગાઝાના જીડીપીમાં 81 ટકાનો ઘટાડો થયો છે. 2.01 લાખ લોકો બેરોજગાર બન્યા છે. લગભગ 20 લાખ લોકો બેઘર છે. 85 હજાર પેલેસ્ટિનિયન મજૂરોએ તેમની નોકરી ગુમાવી છે.
ગાઝા પટ્ટીમાં કાટમાળનો ઢગલો
ઈઝરાયલના હવાઈ હુમલાને કારણે ગાઝા પટ્ટી પર અત્યાર સુધીમાં 42 મિલિયન ટનથી વધુ કાટમાળ પડ્યો છે. ન્યૂ યોર્કથી સિંગાપોર સુધી ફેલાયેલી ડમ્પ ટ્રકની એક લાઇનને ભરવા માટે તે પૂરતો કાટમાળ છે. તેને દૂર કરવામાં ઘણા વર્ષો લાગી શકે છે અને 700 મિલિયન ડોલર સુધીનો ખર્ચ થઈ શકે છે.
Israel Gaza War: '41800 લોકોના મોત, 814 મસ્જિદો નષ્ટ', ગાઝામાં ઇઝરાયેલે આવો કાળો કેર વર્તાવ્યો