Operation Sindoor: ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના લશ્કરી તણાવ અને ભારતના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનની હાલત કેવી કફોડી બની હતી તેનો એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે ભારતીય સેનાએ તેમના એરબેઝને નષ્ટ કરી દીધા હતા. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ હુમલો શરૂ કર્યાના આગામી 45 મિનિટની અંદર, સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાને તેમને 20 થી 25 વાર ફોન કરીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સાઉદી પ્રિન્સની તાત્કાલિક મધ્યસ્થી

જિયો ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ઇશાક ડારે જણાવ્યું કે, સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાને તેમને ફોન કરીને પૂછ્યું કે શું તેમણે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાત કરવી જોઈએ અને હુમલો રોકવાની અપીલ કરવી જોઈએ. પ્રિન્સ ફૈઝલે પાકિસ્તાનને હુમલો રોકવા માટે તૈયાર હોવાનું ભારતને જણાવવાની પણ ઓફર કરી હતી. ફૈઝલ બિન સલમાને એમ પણ કહ્યું કે તેમને જાણ થઈ છે કે પાકિસ્તાને યુએસ સંરક્ષણ પ્રધાન માર્કો રુબિયો સાથે વાત કરી છે. આ ઘટનાક્રમ સ્પષ્ટ દર્શાવે છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન કેટલી મુશ્કેલ સ્થિતિમાં મુકાયું હતું અને એક મોટા મુસ્લિમ દેશે અમેરિકા સમક્ષ તેમની મદદ માટે હાથ લંબાવ્યો હતો.

ઇશાક ડારે એમ પણ કહ્યું કે તેમની સરકારે અમેરિકાને ભારત દ્વારા કરવામાં આવી રહેલા હુમલાને રોકવા માટે પણ અપીલ કરી હતી. આ ખુલાસો દર્શાવે છે કે પાકિસ્તાનની સૈન્ય સ્થિતિ કેટલી નબળી પડી ગઈ હતી કે તેમને તાત્કાલિક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીની જરૂર પડી હતી.

ઓપરેશન સિંદૂર: ભારતીય સેનાનો જોરદાર પ્રતિકાર

ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર પછી, ભારતે પાકિસ્તાની હુમલાના જવાબમાં તેમના ઘણા એરબેઝનો નાશ કર્યો હતો, જેમાં રાવલપિંડી એરપોર્ટ સહિત ઘણા વિસ્તારોને નિશાન બનાવીને બ્રહ્મોસ મિસાઇલો છોડવામાં આવી હતી. આ વાત ખુદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે જાહેર કરી છે.

ભારતે 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તા કબજા હેઠળના કાશ્મીરમાં (POK) સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ હતી. આ હુમલાના જવાબમાં, પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને સરહદ પારથી હુમલો શરૂ કર્યો. આ પછી, ભારતીય સેનાએ પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો અને પાકિસ્તાનના ઘણા એરબેઝને નિશાન બનાવ્યા, જેમાં પડોશી દેશને ઘણું નુકસાન થયું. આ નુકસાનના પુરાવા પણ સેટેલાઇટ છબીઓ દ્વારા આપવામાં આવ્યા હતા, જે ભારતના આ દાવાને સમર્થન આપે છે.