ઇસ્લામાબાદઃ પાડોશી પાકિસ્તાનની વધુ એક ખરાબ હરકત સામે આવી છે. ભારતીય મીડિયામાં અડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમને લઇને કરવામાં આવેલા દાવાઓને પાકિસ્તાને ફગાવી દીધા છે. ડૉન દાઉદ ઇબ્રાહિમના કબુલનામાને પાકિસ્તાને નિરાધાર બતાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા પાકિસ્તાને કબુલ્યુ હતુ કે ડૉન દાઉદ ઇબ્રાહિમ કરાંચીમાં છે, અને હવે આ મામલે ફેરવી તોળ્યુ છે, કે ડૉન દાઉદ ઇબ્રાહિમ કરાંચીમાં નથી.


પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, ભારતીય મીડિયામા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને પોતાની જમીન પર ડૉન દાઉદ ઇબ્રાહિમની હાજરીને સ્વીકારી લીધી છે, આ દાવો નિરાધાર અને ભ્રામક છે. સાથે જ આ વાતને ફગાવી દીધા કે પાકિસ્તાન 88 આકાઓ પર નવા પ્રતિબંધ લગાવી રહ્યું છે.

ખરેખર, એફએટીએફના લિસ્ટમાંથી બહાર આવવાની કોશિશો અંતર્ગત પાકિસ્તાને આતંકીઓનુ લિસ્ટ જાહેર કર્યો હતુ, જેમાં ડૉન દાઉદ ઇબ્રાહિમ પણ સામેલ હતો. કહેવાઇ રહ્યું છે કે, કરાંચીના ફ્લિપ્ટન વિસ્તારના વ્હાઇટ હાઉસમાં ડૉન દાઉદ ઇબ્રાહિમ રહે છે

હવે પોતાના નિવેદનથી પલટતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, 18 ઓગસ્ટ 2020ના બે એસઆરઓ જાહેર કરવામાં આવ્યા હતા, આ લિસ્ટમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અનુસાર નામિત વ્યક્તિઓ અને સંસ્થાઓના નામ છે. આવા એસઆરઓ સમય સમય પર જાહેર કરવામાં આવે છે. છેલ્લા આવા એસઆરઓ 2019માં જાહેર કરવામાં આવ્યા હતા.