Pakistani Army Chief Asim Munir : પીટીઆઈના નેતા ઈમરાન ખાનના શક્તિપ્રદર્શન અને સુપ્રીમ કોર્ટમાં થયેલી જીત બાદ પાકિસ્તાનની શક્તિશાળી સેના સાથેની તેમની લડાઈ વધતી જઈ રહી છે. પાકિસ્તાન આર્મી ઈમરાન ખાન વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કેસ નોંધીને તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. દરમિયાન, ઈમરાન ખાને ખુલ્લેઆમ કહ્યું છે કે, 9 મેના રોજ તેમના 'અપહરણ' પાછળ આર્મી ચીફ અસીમ મુનીરનો હાથ છે. હવે પાકિસ્તાનના સૈન્ય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે, શું અમેરિકા આર્મી ચીફ જનરલ મુનીરને હટાવવા માંગે છે? આ આશંકા પાછળનું મુખ્ય કારણ ઝાલ્મે ખલીલઝાદ છે, જેઓ અફઘાનિસ્તાનમાં અમેરિકાના દૂત રહી ચૂક્યા છે અને તાલિબાન સાથે તેમણે જ ડીલ કરાવી હતી. 


ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં જોરદાર હિંસા શરૂ થયા બાદ ઝાલ્મે ખલીલઝાદે અનેક ટ્વિટમાં પીટીઆઈ નેતાનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. બાઈડેન સરકારના નજીકના અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બાબતોના નિષ્ણાત ઝાલ્મે ખલીલઝાદે આ સમગ્ર વિવાદને ઉકેલવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની સેના એક ડગલું પીછેહઠ કરવાને બદલે ડ્રામા આગળ વધારવા જઈ રહી છે. એવી અફવા છે કે, પાકિસ્તાની સેના ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની ધરપકડ કરવા માગે છે.


'જો અસીમ મુનીર દેશભક્ત હોય તો રાજીનામું આપે'


ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત જાલ્મેએ કહ્યું હતું કે, પાકિસ્તાનની સેના ઈચ્છે છે કે, ઈમરાન ખાન વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે અને તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે. આ એક અક્ષમ્ય અને બેદરકારીભર્યું પગલું હશે. હું ફરી એકવાર પુનરાવર્તન કરું છું કે, જો આર્મી ચીફ જનરલ મુનીર દેશભક્ત હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ અને ચૂંટણીની તારીખ જાહેર કરીને બાબતોને પાટા પર લાવવી જોઈએ. તેમણે પાકિસ્તાનના લોકોને અપીલ કરી છે કે, જો સેના કોઈ વિનાશક પગલું ભરે છે તો તે તેનો વિરોધ કરે.


ઝાલ્મેએ એમ પણ કહ્યું હતું કે, એવી શક્યતા છે કે ઈમરાન ખાનની જેલની અંદર હત્યા કરવામાં આવી શકે છે. જ્યારે ઝાલ્મે ખલીલઝાદ ઈમરાન ખાનને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે, ત્યારે બાઈડેન પ્રશાસને પણ આડકતરી રીતે ઈમરાન ખાનના વિરોધને સમર્થન આપ્યું છે. અમેરિકાએ સોમવારે કહ્યું છે કે, પાકિસ્તાનના લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલે ઈમરાન ખાનની ધરપકડ પર કહ્યું હતું કે, કોઈપણ ધરપકડ દરમિયાન દેશના કાયદાનું સન્માન કરવું જોઈએ.


ઈમરાન ખાન અને અમેરિકા આવી રહ્યાં છે નજીક!!!


ઉલ્લેખનીય છે કે, જ્યારે ઈમરાનની ધરપકડ નહોતી કરવામાં આવી તે પહેલા પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત ઈમરાન ખાનના નજીકના સહયોગી ફવાદ ચૌધરીને મળ્યા હતા. ખુદ ઈમરાન ખાને પણ ઘણી વખત અમેરિકન અધિકારીઓ સાથે વાત કરી છે. ઘણા વિશ્લેષકોનું માનવું છે કે, ચીનના ખોળામાં બેસી ગયેલા પાકિસ્તાની આર્મી ચીફ મુનીરને પાઠ ભણાવવા માટે અમેરિકા ઈમરાન ખાનનું સમર્થન કરી રહ્યું છે. ઈમરાન ખાનની ધરપકડ પહેલા ચીનના વિદેશ મંત્રી પાકિસ્તાન પહોંચી ગયા હતા. અહીં તેમણે મુનીરને 'ઘર' સુધારવાની સલાહ આપી હતી.