Pakistan Khyber Pakhtunkhwa blast: પાડોશી દેશ પાકિસ્તાનમાંથી એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રવિવારે, 2 ઓગસ્ટ 2026 ના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો છે. આ હુમલામાં ખાસ કરીને પોલીસકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 18 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ એક આત્મઘાતી હુમલો હોવાની પ્રબળ આશંકા છે. ઘટનાના કેટલાક ભયાવહ વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ત્યાંની ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપે છે. હાલમાં બચાવ ટીમો દ્વારા રાહત કામગીરી ચાલી રહી છે અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

Continues below advertisement

આ ઘટના અંગે પીટીઆઈ (PTI) ન્યૂઝ એજન્સી અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાંથી મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટ સ્વાત જિલ્લામાં થયો હતો. સ્વાત જિલ્લાના પોલીસ અધિકારી ઉમર ખાને 'ડોન ન્યૂઝ'ને આ હુમલાની માહિતી આપતા જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ હુમલાખોરે પોલીસ સ્ટેશનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ફરજ પરના અધિકારીઓએ તેને પ્રવેશદ્વાર પર જ રોકીને તેની તલાશી લેવાની કોશિશ કરી, ત્યારે જ તેણે પોતાની પાસે રહેલા વિસ્ફોટકો વડે પોતાની જાતને ઉડાવી દીધી હતી. વિસ્ફોટ થતાં જ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક એક્શનમાં આવીને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને સઘન તપાસ શરૂ કરી દીધી હતી. તમામ 18 ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની 'સૈદુ શરીફ ટીચિંગ હોસ્પિટલ'માં ખસેડવામાં આવ્યા છે. હાલમાં મૃતકોની ઓળખ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

Continues below advertisement

સૌથી આઘાતજનક વાત એ છે કે આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે નજીકના કાબલ ચોક પર સેંકડો લોકો ભેગા થઈને એક શાંતિ રેલી કાઢી રહ્યા હતા. આ વિસ્તારમાં તાજેતરમાં વધેલા આતંકવાદના વિરોધમાં સ્થાનિક આદિવાસી પરિષદ 'સ્વાત અમન જિર્ગા' દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પરંતુ પોલીસ સ્ટેશન નજીક થયેલા આ જોરદાર ધડાકાને કારણે પ્રદર્શનકારીઓમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેખીતી રીતે જ આ એક આત્મઘાતી હુમલો લાગી રહ્યો છે. જોકે, હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠન કે જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સતત કથળી રહી છે. આવી મોટી શાંતિ રેલી વચ્ચે સુરક્ષામાં પડેલી આટલી મોટી ખામીએ અને આ વિસ્ફોટે તંત્રની કામગીરી પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં મોટો વિસ્ફોટ: હાઇકોર્ટ નજીકના કારમાં થયો બ્લાસ્ટ, 11ના મોત, જુઓ Video