Pakistan: પાકિસ્તાનને ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું હતું. પાકિસ્તાનનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2025થી શરૂ થશે અને તે આગામી બે વર્ષ સુધી UNSCનું સભ્ય રહેશે. 193 સભ્યોની જનરલ એસેમ્બલીમાંથી પાકિસ્તાનને 182 વોટ મળ્યા, જે બે તૃતીયાંશ બહુમતી માટે જરૂરી 124ના આંકડો કરતા ઘણા વધારે છે.


ગુરુવારે જ પાકિસ્તાન સિવાય ડેન્માર્ક, ગ્રીસ, પનામા અને સોમાલિયાને પણ સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે નવા સભ્ય દેશોની જાહેરાત કરી હતી. ચૂંટાયેલા નવા સભ્ય દેશો જાપાન, ઇક્વાડોર, માલ્ટા, મોઝામ્બિક અને સ્વિટ્ઝર્લેન્ડનું સ્થાન લેશે. આ દેશોની સદસ્યતા 31 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહી છે.


પાકિસ્તાન 1 જાન્યુઆરી, 2025ના રોજ એશિયન સીટ પર જાપાનનું સ્થાન લેશે અને આઠમી વખત યુએનએસસીનું કામચલાઉ સભ્ય બનશે. પાકિસ્તાને 15 સભ્યોની પરિષદના સભ્ય તરીકે પાકિસ્તાનની પ્રાથમિકતાઓ અને લક્ષ્યો વિશે માહિતી આપી છે. યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમે કહ્યું કે દેશની પસંદગી યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની ક્ષમતાને વેગ આપશે.


પાકિસ્તાન કેટલા સમયથી UNSCનું સભ્ય છે?


સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત અકરમે કહ્યું કે પાકિસ્તાન કાઉન્સિલના સામાન્ય ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે અન્ય સભ્ય દેશો સાથે મળીને કામ કરશે. આ દરમિયાન, તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અનુસાર સંઘર્ષને રોકવા અને તેમના શાંતિપૂર્ણ ઉકેલ માટે સંયુક્ત રીતે સહયોગ કરશે. આ પહેલા પાકિસ્તાન વર્ષ 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69 અને 1952-53માં સુરક્ષા પરિષદનું સભ્ય રહ્યું હતું. હવે પાકિસ્તાન એવા સમયે યુએનએસસીમાં સામેલ થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ મચી છે.


UNSCમાં પાકિસ્તાનની પ્રાથમિકતા શું છે?


પાકિસ્તાને સુરક્ષા પરિષદના સભ્ય તરીકે ચૂંટાતાની સાથે જ ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. મુનીર અકરમે સંયુક્ત રાષ્ટ્રમાં તેમની પ્રાથમિકતાઓ ગણાવી હતી. જેમાં સામેલ છે પેલેસ્ટાઇન અને કાશ્મીરના લોકો માટે આત્મનિર્ણયના સિદ્ધાંતને સમર્થન આપવું, દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું, આફ્રિકામાં સુરક્ષા પડકારોના ન્યાયી ઉકેલોને પ્રોત્સાહન આપવું, અફઘાનિસ્તાનમાં સામાન્યકરણને પ્રોત્સાહન આપવું અને સંયુક્ત રાષ્ટ્રની શાંતિ રક્ષા કામગીરીને સમર્થન આપવું .