ઈરાનના એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પરેશાન છે. હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
પાકિસ્તાની મીડિયા અનુસાર, આ હુમલાઓ ઈરાનમાં BLA આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો કે ઈરાનની અંદર બલૂચ અલગતાવાદી આતંકવાદી જૂથો (સંભવત BLF, BLA) છે જે પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
પાકિસ્તાને મંગળવારે રાત્રે પાકિસ્તાનમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની આકરી ટીકા કરી હતી અને જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે ઈરાનના હુમલામાં બે બાળકો અને ત્રણ મહિલાઓના મોત થયા છે.
પાકિસ્તાની હુમલા પહેલા ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયાએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ભાઈચારાના સંબંધો છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભલે ઈરાને પાકિસ્તાનની સીમા પર હુમલો કર્યો, પરંતુ હુમલો પાકિસ્તાન પર નહીં પરંતુ પાકિસ્તાનમાં છૂપાયેલા ઈરાની આતંકવાદીઓ પર છે. તેણે કહ્યું, "જૈશ અલ-અદલ ઈરાની આતંકવાદી સંગઠન છે. તેઓએ પાકિસ્તાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના કેટલાક ભાગોમાં આશ્રય લીધો છે."
પાકિસ્તાન-ઈરાનના સંબંધો કેવા છે?
પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ભલે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલા બહુ સારા ન હતા, પરંતુ આ પહેલા ક્યારેય સ્થિતિ આટલી બગડી ન હતી. ઈરાન અને પાકિસ્તાન સરહદોથી જોડાયેલા છે તેમ છતાં બંને વચ્ચે કોઈ પરસ્પર સારા સંબંધો નથી. ઈરાન શિયા બહુમતી દેશ છે જ્યારે પાકિસ્તાન સુન્ની બહુમતી દેશ છે. બંને દેશો સમયાંતરે એકબીજા પર આતંકવાદી હુમલાનો આરોપ લગાવતા રહે છે. ઈરાને ઘણી વખત પાકિસ્તાન પર સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીનો આરોપ લગાવ્યો છે.