Pakistan Stock Exchange: પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) એ શુક્રવાર, 25 એપ્રિલે જંગી ઘટાડો નોંધ્યો હતો. સતત બે ટ્રેડિંગ સેશનમાં 2500 થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના શેરબજારમાં તબાહીનો માહોલ છે.

PSX વેબસાઇટ ઑફલાઇન થઈ ગઈ 

શુક્રવારે ટ્રેડિંગ શરૂ થયાની પાંચ મિનિટની અંદર, કરાચી સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક KSE-100, જેમાં પાકિસ્તાનની ટોચની લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે, તેમાં 2.12 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી ઈન્ડેક્સ 114,740.29 પોઈન્ટ પર આવી ગયો.

આ સિવાય PSX વેબસાઈટ આજે થોડા સમય માટે ઓફલાઈન થઈ ગઈ હતી. વેબસાઈટ પર  'We'll be back soon' મેસેજ દેખાવા લાગ્યો. વેબસાઈટની નિયમિત જાળવણી ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં, માર્કેટ ક્રેશની અફવાઓ સમયાંતરે ફેલાઈ રહી છે, જેનાથી રોકાણકારોમાં વધુ ગભરાટ ફેલાયો છે.

પાકિસ્તાનના વિકાસ અનુમાન દરમાં પણ ઘટાડો થયો છે 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પણ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં પાકિસ્તાનના વિકાસ દરનું અનુમાન ઘટાડીને 2.6 ટકા કર્યું છે. હકીકતમાં, કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાની શેરબજારમાં ઉથલપાથલ છે.

ભારતે સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો, અટારી-વાઘા સરહદ બંધ કરી. આ ઉપરાંત, પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા મુક્તિ યોજનાને રદ કરવા સહિત અનેક કઠિન રાજદ્વારી અને આર્થિક પગલાંની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર તણાવ વધી ગયો છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર દબાણ 

પાકિસ્તાની અખબાર ડોને તેના અહેવાલમાં લખ્યું છે કે, "ભારતની તીક્ષ્ણ પ્રતિક્રિયા અને સૈન્ય સંઘર્ષની વધતી જતી આશંકાઓએ પાકિસ્તાનની નાજુક અર્થવ્યવસ્થાને ભારે દબાણમાં મૂકી દીધું છે."  

ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી

આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. આમાંનો સૌથી મોટો નિર્ણય 1960 ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો હતો, જે ભારતે આતંકવાદ સામે ઇસ્લામાબાદની ઢીલી નીતિના જવાબમાં લીધો હતો. આ સાથે, ભારતે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા રદ કર્યા અને અટારી સરહદ બંધ કરવાની પણ જાહેરાત કરી.