મેક્સિકોના અલ બાજિયોથી તિજુઆના જઈ રહેલી ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્લેનમાં સવાર એક મુસાફર ફ્લાઈટને અમેરિકા લઈ જવા માંગતો હતો. આ દરમિયાન પ્લેનમાં ભારે હંગામો થયો હતો. પેસેન્જર વારંવાર કહેતો રહ્યો કે ફ્લાઈટને અમેરિકા લઈ જાવ.
એરલાઇને જણાવ્યું હતું કે મુસાફર વોલારિસ 3041 ફ્લાઇટને સેન્ટ્રલ મેક્સિકોના ગ્વાડલઝારા તરફ લઇ જવામાં સફળ રહ્યો હતો. બાદમાં મુસાફરને ક્રૂ દ્ધારા રોકવામાં આવ્યો હતો. બાદમાં અધિકારીઓએ મુસાફરને ઝડપી લીધો હતો. વિમાનની અંદર એક અન્ય મુસાફરે રેકોર્ડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં પેસેન્જર ક્રૂ સાથે કેવી રીતે ઝપાઝપી કરી રહ્યો છે તે જોઈ શકાય છે.
પ્લેનના ક્રૂ મેમ્બરોએ પેસેન્જરને પકડી લીધો હતો
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ પ્લેનમાં હાજર ક્રૂ મેમ્બરોએ હિંમત બતાવી પેસેન્જરને પકડ્યો હતો. બાદમાં તેઓએ મુસાફરને અધિકારીઓને સોંપી દીધો હતો. આ પછી વોલારિસ 3041 વિમાન યુએસ બોર્ડર પર સ્થિત તિજુઆના માટે રવાના થયું હતું. વોલારિસે એક નિવેદનમાં કહ્યું કે "તમામ મુસાફરો, ક્રૂ અને એરક્રાફ્ટ સુરક્ષિત છે. મુસાફરોને તિજુઆનામાં લઇ જવામાં આવ્યું છે. અમે ખાતરી કરીશું કે વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને કાયદા અનુસાર સજા આપવામાં આવે.
વોલારિસના સીઇઓ એનરિક બેલ્ટ્રાનેનાએ જણાવ્યું હતું કે, "અમે વોલારિસ ફ્લાઇટ 3041 પર અસાધારણ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. તે અલ બાજિયો-તિજુઆના રૂટ પર ઉડાન ભરી રહી હતી. એક મુસાફરે વિમાનને યુએસ તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. અમારા ચાલક દળે સારુ કામ કર્યું. તેમણે મુસાફરને ઝડપી લીધો. સ્થાપિત સુરક્ષા પ્રોટોકોલ અનુસાર, ફ્લાઇટને ગ્વાડલઝારા એરપોર્ટ પર લઇ જવામાં આવી હતી.