હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમુદાયનાં લોકોને સંબોધ્યા હતાં. આ દરમિયાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દા પર વાતો કરી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર પોતાના પ્રતિક્રિયા આપી હતી.

નરેન્દ્ર મોદીનાં ભાષણમાં બે વાર એવું બન્યું જ્યારે સ્ટેડિયમમાં ભારતીયો સહિત ઉપસ્થિત લોકોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. પહેલીવાર ત્યારે જ્યારે નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સાંસદો માટે ઉભા થઈને તાળીઓ વગાડો. ત્યાર બાદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે લોકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાનું કહ્યું હતું.

નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મને ટફ નેગોશિએટર બોલાવે છે પરંતુ તેઓ ખુદ આર્ટ ઓફ ડીલનાં માસ્ટર છે. હું તેમનાથી ઘણું બધું શીખી રહ્યો છું.

મોદીએ પોતાના ભાષણ દરમિયાન પોતાની એક કવિતા સંભળાવી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ સંપૂર્ણ કવિતા સંભળાવવાનો સમય નથી, પરંતુ હું મારી લખેલી કવિતાની બે પંક્તિઓ સંભળાવવા ઈચ્છુ છું. ‘વો જો મુશ્કિલો કા અંબાર હૈ, વહીં તો મેરે હોંસલો કી મીનાર હૈ.”