Plane crash in Peru:પેરૂના નાઝ્કા શહેર નજીક પ્રવાસીઓને લઈને ઉડાન ભરેલું એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર બે પાયલટ સહિત તમામ 13 લોકોના મોત થયા છે. આ વિમાન વિશ્વપ્રસિદ્ધ આશરે 2,000 વર્ષ જૂની નાઝ્કા લાઇન્સનું હવાઈ દૃશ્ય બતાવવા માટે નીકળ્યું હતું.

Continues below advertisement

 

Continues below advertisement

દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. નાઝ્કા શહેરની બહાર પ્રવાસીઓને લઈને ઉડાન ભરેલું નાનું વિમાન અચાનક તૂટી પડતાં તેમાં સવાર તમામ 13 લોકોનાં મોત થયા હતા. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કોઈને બચાવી શકાયા નહોતા.

ઉડાન ભર્યાના થોડા જ સમયમાં અકસ્માત

આ વિમાન નજીકના ઇકા (Ica) શહેરમાંથી વિશ્વપ્રસિદ્ધ નાઝ્કા લાઇન્સનું હવાઈ દૃશ્ય બતાવવા માટે ઉડાન ભરી હતી. શરૂઆતમાં ઉડાન સામાન્ય રીતે ચાલી રહી હતી, પરંતુ નાઝ્કા લાઇન્સ નજીક પહોંચ્યા બાદ વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને એક ખેતરમાં તૂટી પડ્યું. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી અને તે સંપૂર્ણપણે બળી ગયું.

વિમાનમાં બે પાયલટ અને 11 પ્રવાસીઓ સવાર હતા. સ્થાનિક લોકોએ તરત જ પ્રશાસનને જાણ કરી હતી. બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનાં મોત થઈ ચૂક્યાં હતાં.

નાઝ્કા લાઇન્સ જોવા માટે ખાસ પ્રવાસી ઉડાન

માહિતી અનુસાર, વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓ વિશ્વપ્રસિદ્ધ નાઝ્કા લાઇન્સ જોવા માટે ખાસ 'સીનિક ફ્લાઇટ' પર નીકળ્યા હતા. આ રહસ્યમય વિશાળ ભૂ-આકૃતિઓને જમીન પરથી સંપૂર્ણ રીતે જોવી શક્ય નથી. તેથી પ્રવાસીઓ સામાન્ય રીતે નાના વિમાનો અથવા ખાસ વ્યૂઇંગ ટાવરની મદદથી તેનો નજારો માણે છે.

14 વર્ષથી સીનિક ફ્લાઇટ ચલાવતી હતી કંપની

દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું સંચાલન પેરૂની એવિએશન કંપની એરોડિયાના (Aerodiana) કરી રહી હતી. કંપનીની વેબસાઇટ અનુસાર, છેલ્લા 14 વર્ષથી તે સેસના ગ્રાન્ડ કારવાં (Cessna Grand Caravan) વિમાન દ્વારા પ્રવાસીઓને નાઝ્કા લાઇન્સનું હવાઈ ભ્રમણ કરાવતી આવી રહી છે. અકસ્માત બાદ કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. બીજી તરફ સંબંધિત એજન્સીઓએ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

શું છે નાઝ્કા લાઇન્સ?

નાઝ્કા લાઇન્સ વિશ્વના સૌથી રહસ્યમય પુરાતત્વીય સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તે પેરૂની રાજધાની લીમાથી આશરે 400 કિલોમીટર દક્ષિણમાં આવેલા નાઝ્કા અને પાલ્પા રણપ્રદેશમાં આવેલી વિશાળ ભૂ-આકૃતિઓ છે.

માનવામાં આવે છે કે આ આકૃતિઓ નાઝ્કા સંસ્કૃતિના લોકોએ ઈ.સ.પૂર્વે 200થી ઈ.સ. 600 વચ્ચે બનાવી હતી. રણપ્રદેશની ઉપરની ગાઢ રંગની માટી અને પથ્થરો દૂર કરીને નીચેની હળવા રંગની સપાટી બહાર લાવી આ આકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. તેમાં પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો, ભૂમિતિ આધારિત આકારો અને અનેક કિલોમીટર લાંબી સીધી રેખાઓ સહિત સેંકડો ડિઝાઇન સામેલ છે. ઘણી આકૃતિઓની લંબાઈ 100થી 300 મીટર અથવા તેથી પણ વધુ છે.

આજે પણ રહસ્ય યથાવત

વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદો હજુ સુધી એ બાબતે સંપૂર્ણ સહમત નથી કે નાઝ્કા લાઇન્સ કયા હેતુથી બનાવવામાં આવી હતી. કેટલાક નિષ્ણાતો તેને ધાર્મિક વિધિઓ સાથે જોડે છે, જ્યારે અન્યના મત મુજબ તેનો સંબંધ જળસ્ત્રોતોની ઓળખ, ખગોળીય અભ્યાસ અથવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે હોઈ શકે છે.

અહીંનું અત્યંત શુષ્ક હવામાન અને ખૂબ ઓછો વરસાદ હોવાના કારણે આ આકૃતિઓ છેલ્લા લગભગ બે હજાર વર્ષથી સુરક્ષિત રહી છે. આજે નાઝ્કા લાઇન્સ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં પણ સામેલ છે.

અગાઉ પણ બની ચૂક્યા છે આવા અકસ્માતો

નાઝ્કા લાઇન્સ પર પ્રવાસીઓને હવાઈ ભ્રમણ કરાવતા વિમાનો સાથે અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે. વર્ષ 2022માં એક નાનું પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં સાત લોકોનાં મોત થયા હતા. તે પહેલાં વર્ષ 2010માં પણ આ વિસ્તારમાં થયેલા વિમાન અકસ્માતમાં છ લોકોનાં જાન ગયા હતા.

વારંવાર બની રહેલી આવી દુર્ઘટનાઓ બાદ પ્રવાસી વિમાનોની સુરક્ષા વ્યવસ્થા અને ઉડાન સંચાલનને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

તપાસ શરૂ

પેરૂની નાગરિક ઉડ્ડયન અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓએ અકસ્માતની વિગતવાર તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વિમાનના ટેક્નિકલ રેકોર્ડ, હવામાનની સ્થિતિ અને ઉડાન સાથે જોડાયેલા અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું સાચું કારણ સામે આવશે.