Plane turns into fireball: લંડન એરપોર્ટ પર એક ચોંકાવનારો વિમાન અકસ્માત થયો છે, જેણે અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશની યાદ તાજી કરાવી છે. ભલે આ વિમાન કદમાં નાનું હતું, પરંતુ અમદાવાદમાં જેમ ટેકઓફના થોડા સમય બાદ વિમાન ક્રેશ થયું હતું, તેવી જ ઘટના લંડનમાં પણ જોવા મળી છે.
આ દુર્ઘટના રવિવારે સાંજે 4:00 વાગ્યાની આસપાસ એસેક્સના લંડન સાઉથેન્ડ એરપોર્ટ (London Southend Airport) પર બની હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક નાનું પેસેન્જર જેટ, જે નેધરલેન્ડ જઈ રહ્યું હતું, તે ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું અને જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગયું. આકાશમાં ધુમાડાના ગાઢ ગોટેગોટા અને જ્વાળાઓ ઉડતી જોવા મળી હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પોલીસની કાર્યવાહી અને સ્થાનિક સાંસદની પ્રતિક્રિયા
અકસ્માતની જાણ થતા જ એસેક્સ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમને સાંજે 4:00 વાગ્યા પહેલા 12 મીટર લાંબા વિમાનના અકસ્માતની માહિતી મળી હતી. અમે ઘટનાસ્થળે તમામ કટોકટી સેવાઓ સાથે કામ કરી રહ્યા છીએ, અને આ કામગીરી ઘણા કલાકો સુધી ચાલુ રહેશે. અમે જનતાને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી આ કાર્ય ચાલુ રહે ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ વિસ્તારથી દૂર રહે."
આ ઘટના બાદ, સાઉથએન્ડ વેસ્ટના સાંસદ ડેવિન બર્ટને (David Burton) પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, "મને સાઉથએન્ડ એરપોર્ટ પર થયેલી ઘટનાની જાણ છે. કૃપા કરીને દૂર રહો અને કટોકટી સેવાઓને તેમનું કામ કરવા દો. મારી સંવેદના બધા સંબંધિતો સાથે છે."
આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા અને નાના વિમાનોના સંચાલન અંગેના પ્રશ્નો ફરી ઉભા કર્યા છે.