PM Modi Greece Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસીય મુલાકાત માટે એથેન્સ પહોંચ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીઓ તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. ભારતીય સમુદાયે પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ મોદી પ્રવાસી ભારતીઓને પણ મળ્યા હતા. 40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ગ્રીસ પહોંચ્યા છે. આ પહેલા 1983માં ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ગ્રીસની મુલાકાત લીધી હતી. PM મોદી દક્ષિણ આફ્રિકામાં BRICS સમિટમાં ભાગ લીધા બાદ ગ્રીસ પહોંચ્યા હતા. આ મુલાકાત ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર પહોંચ્યા હતા.










ગ્રીસના વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેત્રિટિસે PM મોદીનું એથેન્સમાં સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની આ એક દિવસીય સત્તાવાર મુલાકાત છે. પીએમ મોદી ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણને પગલે સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે.


ગ્રીસની મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું મને ગૌરવ છે.” છેલ્લી વખત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1983માં ગ્રીસની મુલાકાત લીધી હતી.


વડાપ્રધાન મોદી ગ્રીસના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને બંને દેશોના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદીના ગ્રીસમાં આગમન બાદ ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ ત્યાંનો ભારતીય સમુદાય ઘણો ઉત્સાહિત છે. ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધો તાજેતરના વર્ષોમાં દરિયાઈ પરિવહન, સંરક્ષણ, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગ દ્વારા મજબૂત બન્યા છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પીએમ મોદીની ગ્રીસ મુલાકાત અંગે કહ્યું કે, વડાપ્રધાન ગ્રીસના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પછી તેઓ ગ્રીસના રાષ્ટ્રપતિને મળશે. ગ્રીસના પીએમ સાથે વાત કરશે અને બંને દેશોના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે.


ગ્રીસમાં ભારતીય સમુદાયમાં ખુશી


અરિંદમ બાગચીએ વધુમાં કહ્યું કે, 'ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ગ્રીસમાં ભારતીય સમુદાયના લોકો તેમનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. વડાપ્રધાન ભારત પરત ફરતા પહેલા તેમની સાથે વાત કરશે. ઉલ્લેખનીય છે કે  ગ્રીસમાં ભારતીય સમુદાયના લોકો એથેન્સની હોટલની આસપાસ એકઠા થયા છે જ્યાં પીએમ મોદી એક દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રોકાશે.






એજન્સી ANIને એથેન્સમાં એક ભારતીયે જણાવ્યું કે ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાન મોદીના સ્વાગત માટે એકઠા થયા છે. તેમનું કહેવું છે કે, "PM મોદી અને ગ્રીસના PM વચ્ચે વેપાર અને પ્રવાસીના મુદ્દાઓ પર ચર્ચા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ સુધારવામાં મદદ કરશે."