Prime Minister Narendra Modi Reaches Australia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિનીની તેમની મુલાકાત પૂર્ણ કર્યા પછી તેમના ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતાં. અહીં સિડની એરપોર્ટ પર પીએમ મોદીનું તેમના સમકક્ષ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતાં. આ દરમિયાન ખાસ વાત એ રહી હતી કે, પીએમ મોદીના સમ્માનમાં એક ભારતીય મહિલાએ ગીત લલકાર્યું હતું.
ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાન મોદીનું સિડની આગમન પર ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન લોકોએ 'ભારત માતા કી જય' અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ તેમના સ્વાગત માટે એક ખાસ ગીત ગાયું, જેના શબ્દો હતા... 'સુનો સુનો ઓ દુનિયાવાલો ભારતને બુલાયા હૈ. મોદીજી કે નવભારત કો આગે ઓર બઢાના હૈ.'
પીએમ મોદીના આગમનના સમાચાર સાંભળીને ભારતીય મૂળના આ લોકો લાંબા સમય સુધી સિડનીની હોટલની બહાર એકઠા થયા હતા. જેમાંથી એક NRIએ કહ્યું હતું કે, 'PM મોદીએ ભારતને એક નવી ઓળખ આપી છે. અમે ઉત્સાહિત છીએ અને તેમને મળવા માટે આતુર છીએ. આ અમારા માટે જીવનભરની અમુલ્ય તક છે.
વડાપ્રધાન મોદી 22 થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેઓ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાય દ્વારા આયોજિત સમુદાય કાર્યક્રમમાં પણ ભાગ લેશે. દરમિયાન, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે સોમવારે મોદીના તેમના દેશમાં આગમન પહેલાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની યજમાની કરવી તેમના માટે 'સન્માન'ની વાત હશે. તેમણે સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરી હતી.
અલ્બેનીઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં ભારતમાં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત થયા બાદ હું ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે વડાપ્રધાન મોદીની યજમાની કરવા આતુર છું. તે મારા માટે સન્માનની વાત છે.
ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ 2016ની વસ્તી ગણતરી અનુસાર, ઓસ્ટ્રેલિયામાં 6,19,164 લોકોએ જાહેર કર્યું કે, તેઓ ભારતીય મૂળના છે. આ ઓસ્ટ્રેલિયન વસ્તીના 2.8 ટકા છે. તેમાંથી 5,92,000 ભારતમાં જન્મ્યા હતા. વડાપ્રધાન મોદી છેલ્લે 2014માં ઓસ્ટ્રેલિયા ગયા હતા.