વડાપ્રધાન  નરેન્દ્ર મોદી મંગળવારે G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના અલ્બર્ટામાં પોમેરોય કનાનાસ્કિસ માઉન્ટેન લોજ પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G-7 સમિટ સ્થળ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.

સમિટ દરમિયાન મોદી ઘણા નેતાઓને મળ્યા હતા અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા હતા. આ સમિટમાં મોદીની ભાગીદારી અને કેનેડાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોની કડવાશ દૂર થવાની અપેક્ષા છે.

વડાપ્રધાન મોદી સતત છઠ્ઠી વખત G-7 સમિટમાં સામેલ થયા હતા અને એક દાયકામાં આ તેમની કેનેડાની પ્રથમ મુલાકાત છે. અગાઉ વડાપ્રધાન મોદીનું કેલગરી એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ભારતના કાર્યકારી ઉચ્ચ કમિશનર ચિન્મય નાઈક પણ હાજર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં 51મા G7 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા. G7 સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી.

બ્રિટિશ વડાપ્રધાન સાથે મુલાકાત

51મા G7 સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરને મળ્યા હતા. મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "હું G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કેલગરી પહોંચ્યો છું. હું સમિટમાં વિવિધ નેતાઓને મળીશ અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર મારા વિચારો શેર કરીશ. હું ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર પણ ભાર મૂકીશ.

વડા પ્રધાન સમિટ ઉપરાંત અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. સમિટ માટે કેનેડા પહોંચેલા વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાને પણ મળ્યા હતા. પીએમ મોદીએ પોતે X પર આ માહિતી આપી હતી.

પીએમ મોદીએ લખ્યું હતું કે - 'G7 સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સાથે વાત કરવાથી આનંદ થયો.' એટલું જ નહીં, મોદીએ લખ્યું કે G-7 સમિટ દરમિયાન તેમના મિત્ર ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનીસને મળીને ખુશી થઇ હતી.