Pope Francis: પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે વેટિકન સિટીમાં નિધન થયું છે.  બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેટિકને સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમને બંને ફેફસામાં ન્યૂમોનિયા હતો, જેના કારણે તેમની હાલત ગંભીર રહી હતી. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં હતા અને તાજેતરમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા

પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા. લગભગ એક મહિનાની હોસ્પિટલમાં સારવાર બાદ પોપ 24 માર્ચે તેમના નિવાસસ્થાન કાસા સાંતા માર્ટા પરત ફર્યા હતા. હોસ્પિટલમાંથી પાછા ફરતી વખતે તેમણે હોસ્પિટલની બહાર એકઠા થયેલા મોટી સંખ્યામાં લોકોને આશીર્વાદ આપ્યા હતા. પોપને જાહેરમાં જોયા પછી લોકો ખૂબ ખુશ દેખાતા હતા અને તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી.

તેમને એક મહિનાથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યૂમોનિયા હતો. હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી. એક મહિનાથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. પોપની સંભાળ રાખતા સર્જરીના વડા સર્જિયો અલ્ફિઅરીએ કહ્યું હતું કે તેમને દવાઓની જરૂર પડતી રહેશે.

યુવાનીમાં ફેફસાંનો એક હિસ્સો કાઢી નાખવામાં આવ્યો હતો

પોપ ફ્રાન્સિસ જ્યારે યુવાન હતા ત્યારે તેમના ફેફસામાં ચેપને કારણે તેના એક હિસ્સાને હટાવવામા આવ્યા હતા. આ કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 2023માં પણ ફેફસાના ચેપને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

ભારત મુલાકાત અંગે અટકળો ચાલી રહી હતી

પોપ ફ્રાન્સિસ ભારતની મુલાકાતે આવવાના હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને કહ્યું હતું કે પોપ ફ્રાન્સિસ 2025 પછી ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. કેથોલિક ચર્ચે 2025ને જ્યુબિલી વર્ષ તરીકે જાહેર કર્યું છે. ભારતે પોપ ફ્રાન્સિસને સત્તાવાર રીતે આમંત્રણ આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને આમંત્રણ આપ્યું છે. પોપના સ્વાસ્થ્ય અને સુવિધા અનુસાર આ પ્રવાસનું આયોજન થવાનું હતું.