America Strikes In Iran: ઈરાન પર હવાઈ હુમલા બાદ રાષ્ટ્રને સંબોધતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાનો નાશ કરવાનો અને તેના પરમાણુ ખતરાને કાયમ માટે નાબૂદ કરવાનો હતો. ઈરાન છેલ્લા 40 વર્ષથી અમેરિકા વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને ઘણા અમેરિકનો આ નફરતનો શિકાર બન્યા છે, તેથી મેં નક્કી કર્યું છે કે આ બધું હવે ચાલુ રહેશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, "અમારો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાનો નાશ કરવાનો અને આ ખતરાને કાયમ માટે નાબૂદ કરવાનો હતો. અમે તે કરી બતાવ્યું છે." તેમણે ઈરાનને શાંતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી પણ ચેતવણી પણ આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતુ કે "જો ઈરાન શાંતિનો માર્ગ પસંદ નહીં કરે, તો અમેરિકાની આગામી કાર્યવાહી આના કરતાં ઘણી વધુ ગંભીર અને મોટી હશે."

ટ્રમ્પે ઈરાનને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી અને ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ અને ઇઝરાયલી સેનાને અભિનંદન આપ્યા હતા. તેમણે ચેતવણી આપી કે જો ઈરાન હજુ પણ શાંતિ નહીં અપનાવે, તો ભવિષ્યના હુમલા આના કરતાં ઘણા ભયાનક હશે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'ઈરાનમાં શાંતિ રહેશે અથવા વિનાશ'. તેમણે એમ પણ કહ્યું કે આજે રાત્રે પસંદ કરેલા લક્ષ્યો સૌથી મુશ્કેલ હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનું મિશન સફળ રહ્યું છે. તેમણે કહ્યું કે જે પરમાણુ મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે હવે સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલા પછી ઈરાનની સરકારી ટીવી (IRIB) ના એક નિષ્ણાતે કહ્યું છે કે હવે આ વિસ્તારમાં રહેલ દરેક અમેરિકન નાગરિક અને સૈનિક અમારા નિશાના પર છે. ટીવી ચેનલે મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી મથકોનો નકશો પણ બતાવ્યો હતો. ટિપ્પણીકારે કહ્યું, "તમે શરૂઆત કરી છે, હવે અમે તેને પૂર્ણ કરીશું."

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવવાના ટ્રમ્પના નિર્ણયને 'ઇતિહાસ બદલી નાખનાર સાહસિક પગલું' ગણાવ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું ઘણીવાર કહીએ છીએ કે 'શાંતિ ફક્ત શક્તિ દ્વારા આવે છે.' પહેલા શક્તિ બતાવવામાં આવે છે, પછી શાંતિ સ્થાપિત થાય છે. નેતન્યાહૂએ કહ્યું કે આજે રાત્રે અમેરિકા અને ટ્રમ્પે સંપૂર્ણ તાકાતથી કાર્યવાહી કરી છે.