Russia Ukraine War: વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત થઈ હતી. આ મુલાકાત અલાસ્કામાં પુતિન સાથેની મુલાકાતના બે દિવસ પછી થઈ હતી. દરમિયાન યુક્રેનિયન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સૂટ પહેરીને મળવા આવ્યા હતા. ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કી આર્મીની વર્દીમાં પહોચ્યા હતા, જેનાથી ટ્રમ્પ ગુસ્સે થયા હતા અને તેમણે તેમની મજાક ઉડાવી હતી. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ ઘણી બાબતો પર સહમત થયા હતા.
ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં બેઠેલા ઝેલેન્સ્કીએ યુક્રેનમાં રશિયાના યુદ્ધને રોકવા માટે અમેરિકન રાષ્ટ્રપતિના 'વ્યક્તિગત પ્રયાસો' બદલ આભાર માન્યો હતો. ઉપરાંત, બેઠકના અંતે ટ્રમ્પે કહ્યું કે હું પુતિનને ત્રિપક્ષીય વાતચીત કરવા કહીશ, જો તેઓ સંમત નહીં થાય તો યુદ્ધ ચાલુ રહેશે. આ બેઠકમાં ઘણી બાબતો પર ચર્ચા થઈ હતી, પરંતુ અમે તમને પાંચ સૌથી મહત્વપૂર્ણ બાબતો જણાવીએ છીએ.
યુક્રેન સાથે સુરક્ષા ગેરંટી
આમાં સૌથી મહત્વપૂર્ણ બાબત ઝેલેન્સ્કીની યુક્રેનની સુરક્ષા ગેરંટીની માંગ હતી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીને જ્યારે એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે તેમને કરાર પર પહોંચવા માટે કઈ સુરક્ષા ગેરન્ટીની જરૂર છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમના દેશને 'બધું' જોઈએ છે. તેમણે કહ્યું કે યુક્રેનને સૌ પ્રથમ એક મજબૂત સેનાની જરૂર છે, જેમાં શસ્ત્રો, લોકો, તાલીમ અને ગુપ્ત માહિતીનો સમાવેશ થાય છે.
ત્રિપક્ષીય વાટાઘાટો પર સંમતિ
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ બેઠક પછી પુતિનને ફોન કરશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમને ત્રિપક્ષીય વાટાઘાટો કરવા માટે આગ્રહ કરશે. આ સાથે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ ત્રિપક્ષીય વાટાઘાટો માટે સંમતિ આપી છે. જેના પછી ત્રણેય નેતાઓ ટૂંક સમયમાં એકસાથે મળી શકે છે.
ઝેલેન્સ્કીના ડ્રેસ માટે પણ પ્રશંસા
ઝેલેન્સ્કી આ વખતે સૂટ પહેરીને ઓવલ ઓફિસ પહોંચ્યા હતા. જેના પર ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રશંસા કરી હતી. મીટિંગ દરમિયાન મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે મેં 6 યુદ્ધો બંધ કર્યા છે પરંતુ આ સૌથી મુશ્કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે મને આશા છે કે હું આ પણ બંધ કરીશ.
આ બાઈડનનું યુદ્ધ છે - ટ્રમ્પ
ટ્રમ્પે યુદ્ધ માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને દોષી ઠેરવ્યા છે, ટ્રમ્પે કહ્યું કે તેમને લાગ્યું કે તેને સમાપ્ત કરવું સરળ રહેશે, તેમણે આગળ કહ્યું હતું કે, યુદ્ધ યુક્રેન માટે ભારે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. તેમણે કહ્યું, "આ મારું યુદ્ધ નથી, આ જો બાઈડનનું યુદ્ધ છે. આ ઘટનામાં તેમનો મોટો હાથ છે અને અમે તેનો અંત લાવવા માંગીએ છીએ."