Russia China gas pipeline deal 2025: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પર સતત પ્રતિબંધો લાદવાની ધમકીઓ વચ્ચે, રશિયા અને ચીન વચ્ચે એક ઐતિહાસિક વેપાર સોદો થયો છે. SCO સમિટ બાદ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મોંગોલિયા થઈને ચીનને કુદરતી ગેસ પૂરો પાડવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદો ટ્રમ્પની રશિયાને અલગ પાડવાની નીતિ સામે એક મોટો પડકાર માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ, રશિયા વાર્ષિક 50 અબજ ઘન મીટર ગેસ ચીનને પૂરો પાડશે.

રશિયા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી 'પાવર ઓફ સાઇબિરીયા-2' ગેસ પાઇપલાઇન ડીલ હવે આખરે સત્તાવાર બની છે. 2 સપ્ટેમ્બર, 2025 ના રોજ, રશિયાના સરકારી ઉર્જા નિગમ ગેઝપ્રોમે જાહેરાત કરી કે આ પાઇપલાઇનના બાંધકામ પર કાયદેસર રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ડીલને રશિયા અને ચીન વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે, જે વિશ્વના નવા રાજકારણમાં આ બે મહાશક્તિઓ વચ્ચેની એકતા દર્શાવે છે.

વૈશ્વિક રાજકારણમાં સોદાનું મહત્વ

આ સોદો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે એક મોટી જીત છે. યુક્રેનમાં યુદ્ધ પછી અમેરિકા અને યુરોપના પ્રતિબંધોને કારણે રશિયા યુરોપિયન બજારમાં ગેસ નિકાસ ઘટાડવા મજબૂર બન્યું હતું. આ સોદા દ્વારા, રશિયાએ યુરોપને બદલે ચીનને પોતાનો મુખ્ય ગેસ ખરીદનાર બનાવ્યો છે, જેનાથી તેની આર્થિક સ્થિરતા જળવાઈ રહેશે. બીજી તરફ, આ સોદો ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક રાજદ્વારી હાર તરીકે જોવામાં આવે છે, કારણ કે તેઓ સતત રશિયન ઊર્જા આયાત પર પ્રતિબંધો લાદીને પુતિન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સોદાની નાણાકીય અને ભૌગોલિક વિગતો

આ સોદા હેઠળ, પશ્ચિમ રશિયાથી ઉત્તર ચીન સુધી એક નવી પાઇપલાઇન બનાવવામાં આવશે. આ પાઇપલાઇન વાર્ષિક 50 અબજ ઘન મીટર કુદરતી ગેસનો સપ્લાય કરશે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ જથ્થો રશિયા યુરોપને નિકાસ કરતો હતો તેના લગભગ અડધા ભાગને ભરપાઈ કરી શકે છે. રશિયન સમાચાર એજન્સી ટાસ (TASS) ના અહેવાલ મુજબ, ગેઝપ્રોમના સીઈઓ એલેક્સી મિલરે જણાવ્યું છે કે આ કરાર 30 વર્ષ માટે કરવામાં આવ્યો છે અને ચીનને આપવામાં આવનાર ગેસની કિંમત યુરોપને અપાતા ગેસ કરતાં ઓછી હશે. તેમણે આ પ્રોજેક્ટને વિશ્વનો સૌથી મોટો અને સૌથી નફાકારક ગેસ પ્રોજેક્ટ ગણાવ્યો છે. આ ડીલ દર્શાવે છે કે ચીન અને રશિયા અમેરિકાના દબાણ છતાં પોતાના આર્થિક અને વ્યૂહાત્મક હિતો માટે સહકાર જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.