Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
Israle-Iran War: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પર અમેરિકા અને ઇઝરાયલ પર નિશાન સાધ્યું છે.
Israle-Iran War: ઈઝરાયેલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મોત પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ખામેનીના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાની સર્વોચ્ચ નેતા અલી ખામેની અને તેમના પરિવારના સભ્યોની હત્યા પર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
માનવીય નૈતિકતાનું ઉલ્લંઘન: પુતિન
પુતિને કહ્યું કે આ હત્યા માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાની ઘોર અવગણના કરીને કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે રશિયામાં ખામેનીને એક ઉત્કૃષ્ટ રાજનેતા તરીકે યાદ કરવામાં આવશે, જેમણે રશિયા અને ઈરાન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સાથે પુતિને પેઝેશકિયાનને ખામેનીના સંબંધીઓ અને પ્રિયજનો તેમજ ઈરાનની સરકાર અને જનતા પ્રત્યે પોતાની હાર્દિક સહાનુભૂતિ અને સમર્થન વ્યક્ત કરવા પણ જણાવ્યું છે.
ઈરાને બદલો લેવાની કસમ ખાધી
સુપ્રીમ નેતા ખામેનીના મોત બાદ ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ પાસેથી બદલો લેવાની કસમ ખાધી છે. ઈરાનના સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીએ અમેરિકાના હૃદયમાં છરી ભોંકવાની વાત કરી છે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલ સામે વધુ જવાબી કાર્યવાહીનું વચન આપતા કહ્યું કે, 'અમારી સેનાની પ્રતિક્રિયા વધુ મજબૂત હશે. તેઓએ જાણી લેવું જોઈએ કે તેઓ માત્ર હુમલો કરીને ભાગી શકતા નથી.'
રશિયાની સલાહ અને અમેરિકા-ઈઝરાયેલનો દાવો
રશિયન વિદેશ મંત્રાલયે અમેરિકા-ઈઝરાયેલને હુમલા રોકીને વાતચીતનો માર્ગ અપનાવવાની સલાહ આપી છે અને તેને ઉશ્કેરણી વગરની કાર્યવાહી ગણાવી છે. બીજી તરફ, ઈરાન પરના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર અને ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ 'X' પર વીડિયો સંદેશ જાહેર કર્યો છે. બંનેએ ઈરાનના લોકો સાથે એકતા દર્શાવી અને દાવો કર્યો કે વિશ્વને આતંકના ખતરાથી બચાવવા માટે તેમણે 'પ્રિવેન્ટિવ એટેક' કર્યો છે.
ઈરાનના સરકારી મીડિયાએ શનિવારે (28 ફેબ્રુઆરી 2026) ના રોજ અમેરિકી અને ઈઝરાયેલી હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અઝીઝ નસીરઝાદેહ અને આર્મ્ડ ફોર્સીસના ચીફ ઓફ સ્ટાફ બંનેના મોતની પુષ્ટિ કરી હતી. આ પહેલા ઈરાને IRGC નેતા મેજર જનરલ મોહમ્મદ પાકપુર અને ડિફેન્સ કાઉન્સિલ સેક્રેટરી અલી શમખાનીના મોતની પણ પુષ્ટિ કરી હતી.























