Russia Ukraine War:  રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે. બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, કિવમાં 24 કલાકનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. કોઈને પણ રસ્તા પર આવવાની પરવાનગી નથી. આખી રાત જોરદાર વિસ્ફોટોનો અવાજ સંભળાય છે. બુધવારે સવારે પણ ધડાકાનો  અવાજ સંભળાયો હતો.


24 ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાના હુમલામાં યુક્રેનના 103 બાળકો માર્યા ગયા છે અને 100થી વધુ નિર્દોષ ઘાયલ થયા છે. પ્રોસીક્યુટર જનરલ ઈરિના વેનેડિક્ટોવાએ ફેસબુક પર આ માહિતી આપી છે. યુક્રેનની શેરીઓમાં રશિયન સેના જોવા મળી રહી છે. તે જ સમયે રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેન પાસે આવા હથિયાર ન હોઈ શકે, જેનાથી રશિયાને ખતરો હોય.




યુક્રેનને સમર્થન આપવા ત્રણ દેશો પોલેન્ડ, ચેક રિપબ્લિક અને સ્લોવેનિયાના પીએમ મંગળવારે યુક્રેનની રાજધાની પહોંચ્યા હતા. આ રાજનેતાઓ કિવમાં હાજર હતા તે સમયે સેના કિવની નજીકના વિસ્તારોમાં બોમ્બમારો કરતી હતી. ત્રણેય વડાપ્રધાનોએ કિવમાં લગભગ ત્રણ કલાક વિતાવ્યા હતા. આ અંગે પોલેન્ડના પીએમ મિનિસ્ટર માટેયુઝ મોરાવીકીએ ફેસબુક દ્વારા જણાવ્યું કે તેઓ ત્રણ દેશોના પીએમ સાથે કિવમાં છે. તેમણે કહ્યું કે રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. આ જ કારણ છે કે વિશ્વએ તેની સુરક્ષાની ભાવના ગુમાવી દીધી છે. તેમણે કહ્યું કે યુદ્ધમાં ઘણા નિર્દોષ લોકો માર્યા જાય છે. અમે આ યુદ્ધને રોકવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ અને આ સંબંધમાં અમે કિવ પણ પહોંચ્યા.


અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયા પર સતત પ્રતિબંધો લાદી રહ્યા છે અને બંને દેશોના રાજનેતાઓ સાથે વાત કરીને યુદ્ધ રોકવાના પ્રયાસમાં લાગેલા છે. દરમિયાન યુક્રેને જાહેરાત કરી હતી કે તે નાટોમાં જોડાશે નહીં. માનવામાં આવે છે કે આ જાહેરાત બાદ રશિયાના વર્તનમાં નરમાઈ આવશે.